Navsari CR Patil News: લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ માટે 19મી એપ્રિલે ઉમદવારી ફોર્મની છેલ્લી તારીખ છે. આજે નવસારીમાં સી.આર પાટીલ ભવ્ય રોડ શો અને શક્તિ પ્રદર્શન સાથે લોકસભાનું ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા. જોકે આ દરમિયાન તેઓ ફોર્મ ભરવાનું વિજય મુહૂર્ત ચૂકી જતા ફરી તેઓ ફોર્મ ભર્યા વગર જ પાછા ફર્યા હતા. હવે આવતીકાલે 19મી તારીખે તેઓ ફોર્મ ભરવા માટે જશે.
ADVERTISEMENT
કેમ ફોર્મ ભર્યા વગર પાછા ફર્યા પાટીલ?
નવસારીમાં હજારો સમર્થકો સાથે સી.આર પાટીલ ફોર્મ ભરવા નીકળ્યા હતા. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા ભાજપના અન્ય નેતાઓ પણ હાજર હતા. ભાજપે શક્તિ પ્રદર્શન કરતા મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઈ ગઈ હતી. એવામાં સી.આર પાટીલ 12.39 મિનિટના વિજય મુહૂર્ત સુધીમાં ફોર્મ ભરવા કલેક્ટર કચેરી પહોંચી શક્યા નહોતા. ફોર્મ ભરવા માટેનું મુહૂર્ત નીકળી જતા આખરે પાટીલ ફોર્મ ભર્યા વગર પરત ફર્યા હતા.
હવે આવતીકાલે ફોર્મ ભરશે સી.આર પાટીલ
આ અંગે પૂર્વ મંત્રી નરોત્તમ પટેલે જણાવ્યું કે, અમારી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અમે 12.39એ ફોર્મ ભરીએ છીએ. બધા જ આ ટાઈમ સાચવીએ છીએ. ભીડ એટલી બધી હતી, જેના કારણે ઉમેદવારને આ ટાઈમે પહોંચવામાં મુશ્કેલી પડી હોય. તો આવતીકાલનો દિવસ અમારા પાસે સ્ટેન્ડ બાયમાં છે, એટલે આવતીકાલે ફોર્મ ભરી દઈશું. એમા કોઈ નવી વાત નથી.
(ઈનપુટ: રોનક જાની, નવસારી)
ADVERTISEMENT