Will Sania Mirza fight election from Hyderabad? ભારતની દિગ્ગજ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા આગામી લોકસભા ચૂંટણીમાં હૈદરાબાદથી રાજકીય એન્ટ્રી કરી શકે છે. કોંગ્રેસ પાર્ટી લોકસભા ચૂંટણીમાં હૈદરાબાદથી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસી સામે સાનિયા મિર્ઝાને મેદાનમાં ઉતારવા પર વિચાર કરી રહી છે.
ADVERTISEMENT
સાનિયા મિર્ઝાની રાજકારણમાં એન્ટ્રી?
મનીકંટ્રોલના સૂત્રોને આધારિત ગઈકાલે કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠકમાં સાનિયા મિર્ઝાના નામ પર પણ ચર્ચા થઈ હતી. ઉલ્લેખનીય છે કે CECની બેઠકમાં કોંગ્રેસે ગોવા, દમણ અને દીવ, તેલંગાણા, યુપી અને ઝારખંડ માટે 18 ઉમેદવારોના નામને મંજૂરી આપી હતી. આ દરમિયાન સાનિયા મિર્ઝા ચૂંટણી લડવાની ચર્ચા હતી.
કોંગ્રેસ ફરી હૈદરાબાદ શહેર પર પકડ મેળવવા માંગે છે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસ હૈદરાબાદ શહેરમાં પોતાની ખોવાયેલી પકડ પાછી મેળવવા સાનિયા મિર્ઝાની લોકપ્રિયતાનો લાભ લેવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ છેલ્લે 1980માં હૈદરાબાદમાં જીતી હતી. ત્યારબાદ કેએસ નારાયણ કોંગ્રેસની ટિકિટ પર સાંસદ બન્યા. રિપોર્ટ અનુસાર, ઉમેદવારી માટે સાનિયા મિર્ઝાના નામનો પ્રસ્તાવ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને કોંગ્રેસ નેતા મોહમ્મદ અઝહરુદ્દીને કર્યો હતો. બંને ખેલાડીઓના પારિવારિક સંબંધો છે. અઝહરુદ્દીનના પુત્ર મોહમ્મદ અસદુદ્દીનના લગ્ન 2019માં સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝા સાથે થયા હતા.
હૈદરાબાદ સીટ AIMIMનો ગઢ
હૈદરાબાદ સીટની વાત કરીએ તો તે લાંબા સમયથી AIMIMનો ગઢ છે. જો કે, 2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ઓવૈસીની પાર્ટીને સખત ટક્કર આપી હતી. 1984માં સુલતાન સલાહુદ્દીન ઓવૈસી અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા હતા. ત્યારપછી તેમણે 1989 થી 1999 દરમિયાન AIMIMના ઉમેદવાર તરીકે હૈદરાબાદ બેઠક જીતી. તેમના પછી, અસદુદ્દીન ઓવૈસીએ 2004 થી આ સીટ સંભાળીને વારસો ચાલુ રાખ્યો. 2019માં ઓવૈસી સામે 14 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. પોતાનું વર્ચસ્વ જાળવી રાખીને, તેમણે કુલ પડેલા મતોના 58.94% મેળવીને બેઠક જીતી લીધી. આ વખતે ભાજપે માધવી લતાને લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે BRSએ ગદ્દમ શ્રીનિવાસ યાદવને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે હજુ સુધી પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી.
ADVERTISEMENT