Lok Sabha Election: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે આગામી 7મી મેએ મતદાન થવાનું છે. તમામ 26 બેઠકો પરથી ભાજપ,કોંગ્રેસ-AAP તથા અન્ય ઉમદવારોએ ફોર્મ ભરી દીધા છે અને પ્રચાર પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ વચ્ચે આક્ષેપ-પ્રત્યાક્ષેપની રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. એક જ દિવસમાં ભાજપે કોંગ્રેસના 4 જેટલા દિગ્ગજ ઉમેદવારોના ફોર્મ રદ કરવા માટે ફરિયાદ કરી છે.
ADVERTISEMENT
સુરતમાં કોંગ્રેસ ઉમેદવારના ટેકેદારને લઈને વિવાદ
સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપે વાંધો ઉઠાવ્યો છે. હકીકતમાં નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકીના 3 ટેકેદારીઓ એફિડેવિટ કરીને જણાવ્યું હતું કે આ તેમની સહી નથી. જેની સામે ભાજપના ઉમેદવારે વાંધો ઉઠાવ્યો હતો. એવામાં શક્યતા છે કે ચૂંટણી પંચ નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ કરી શકે છે. આ કેસમાં આવતીકાલે સવારે 11 વાગે નિર્ણય લેવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી નોટિસ અંગે કોંગ્રેસ ખુલાસો કરશે. તો નિલેશ કુંભાણીએ મીડિયા સમક્ષ આવીને તેમના ટેકેદારોનું અપહરણ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. જે બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.
આ પણ વાંચો: ક્ષત્રિય સમાજના આંદોલનથી ગુજરાતમાં ભાજપને કેટલી બેઠકો પર ફટકો પડી શકે? પી.ટી જાડેજાનો માટો દાવો
જેનીબેન ઠુમ્મરના સોગંદનામાં ભાજપે કાઢી ભૂલ
અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું ફોર્મ રદ કરવાની ભાજપ દ્વારા માંગ કરવામાં આવી છે. ભાજપે દાવો કર્યો છે કે કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે પોતાના સોગંદનામાં 3 વર્ષ પહેલા 1 દુકાન વેચી હતી જેનો ઉલ્લેખ સોગંદનામામાં કર્યો નથી. આ માંગ સાથે તેમનું ફોર્મ રદ કરવાની માંગ કરવામાં આવી હતી. આ અંગે સાંજે 4 વાગ્યે ડમી ઉમેદવાર વીરજી ઠુમ્મરે ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે વેચેલી મિલકતનું એનેક્સ રજૂ કર્યું હતું. વીરજી ઠુમ્મરે કહ્યું હતું કે, હાર ભાળી ગયેલ ભાજપ દ્વારા સત્તાના જોરે ફોર્મ રદ કરવાનું પ્રેસર કરવામાં આવે છે. ચિતલ રોડ પર દુકાન વેચી એનો એનેક્સ અને દસ્તાવેજ રજુ કર્યો છે તો ડમી ઉમેદવારનો પણ ભાજપ વિરોધ કરે છે. જેનીબેન ઠુમ્મર મહુવાના પ્રવાસે હોવાથી તેની મુદત ચૂંટણી તંત્ર દ્વારા ના આપવામાં આવી, પરંતુ ભાજપ દ્વારા હાઇકોર્ટના વકીલો બોલાવવા માટે ચૂંટણી તંત્રે આવતીકાલે સવારે 10 વાગ્યા સુધી મુદત આપી. ભાજપ 2 લાખ મતે હારી રહી છે માટે આવા પ્રયાસો કરવામાં આવે છે.
રાજકોટમાં ધાનાણી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ
ભાજપ દ્વારા રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. ચૂંટણી પંચમાં કરાયેલી ફરિયાદમાં આરોપ લગાવાયો છે કે, પરેશ ધાનાણીએ વાંકાનેરમાં ચૂંટણી પ્રચાર માટે ધાર્મિક સ્થળનો ઉપયોગ કર્યો છે. તેઓ કોંગ્રેસના નિશાન પંજાવાળો ખેસ પહેરીને દરગાહમાં પ્રચાર કરવા પહોંચ્યા હતા. ભાજપ દ્વારા પરેશ ધાનાણીનું ફોર્મ રદ્દ કરવા સુધીના પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો: કોંગ્રેસના ઉમેદવારે માતાજીના માંડવામાં ધુણતા ધુણતા સાંકળ મારી, લોકોએ કર્યો રૂપિયાનો વરસાદ
બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર પણ ભાજપના નિશાને
બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના ફોર્મમાં પણ વાંધા રજૂ કરવામાં આવ્યા હતા. હકીકતમાં ગેનીબેન ઠાકોરે સુધારા સાથે ચોથી વખત સોગંદનામું રજૂ કર્યું હતું. ત્યારે પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ચૌહારણે આરોપ લગાવ્યો હતો કે ગેનીબેનને ચાર વખત સોગંદનામું શા માટે કરાવવું પડ્યું, કઈ વસ્તુ છુપાવવી હતી? ગઈ વખતે તેઓ ચૂંટણી લડ્યા ત્યારે તેમાં તેમણે પ્રોપર્ટી નીલ બતાવી હતી. હાલમાં તેમને એફિડેવિટ કર્યું તેમાં 40 વીઘા જમીન બતાવી છે. પ્રચારમાં તેઓ 3 વીઘા જમીન હોવાનું બોલે છે. તેમની પાસે 40 વિઘા જમીન ક્યાંથી આવી? આ અંગે ગેનીબેન ઠાકોરે કહ્યું કે, ત્રણ-ત્રણ વકીલો રાખીને મારું ઉમેદવારી પત્ર રદ થાય તેવો પ્રયાસ કરાયો છે. આ ભાજપની માનસિકતા છે. મારા સોગંદનામામાં મિલકતની કિંમતમાં ભૂલો કાઢી છે. સરકારે જંત્રીઓ વધારી એટલે વેલ્યુએશન વધારે બતાવવા સુધારો કરવો પડે.
ADVERTISEMENT