NTA Exam Calendar 2024 : પેપર લીકને કારણે UGC NET પરીક્ષા રદ કર્યા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે. યુજીસી નેટ પરીક્ષા હવે 21મી ઓગસ્ટથી 4મી સપ્ટેમ્બર 2024 દરમિયાન લેવામાં આવશે. UGC NET પરીક્ષા હવે પેન પેપર (ઓફલાઇન) મોડને બદલે કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવામાં આવશે. NTAના નવા પરીક્ષા કેલેન્ડર મુજબ, જોઈન્ટ CSIR UGC પરીક્ષા હવે 25 જુલાઈથી 27 જુલાઈ, 2024 દરમિયાન કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવામાં આવશે. NCETની પરીક્ષા 10 જુલાઈએ કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવામાં આવશે. NTA એ કહ્યું છે કે ઓલ ઈન્ડિયા આયુષ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ટ્રન્સ ટેસ્ટ (AIAPGET) 2024 ફક્ત 6 જુલાઈની અગાઉની નિર્ધારિત તારીખે લેવામાં આવશે.
ADVERTISEMENT
18 જૂને લેવામાં આવી હતી પરીક્ષા
NTA 83 વિષયોમાં UGC નેટ પરીક્ષા યોજશે. તમને જણાવી દઈએ કે, 18 જૂને લેવાયેલી UGC NET પરીક્ષાનું પેપર લીક થયા બાદ પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. પરીક્ષા માટે 11.21 લાખથી વધુ ઉમેદવારો નોંધાયેલા છે. મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા NEETમાં કથિત ગેરરીતિઓના વિવાદ વચ્ચે શિક્ષણ મંત્રાલયે UGC NET પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો.
વર્ષમાં બે વાર લેવાય છે પરીક્ષા
યુજીસી નેટ પરીક્ષા દેશભરની યુનિવર્સિટીઓ અને અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જુનિયર પ્રોફેસર ફેલોશિપ અને આસિસ્ટન્ટ પ્રોફેસર માટે વર્ષમાં બે વાર લેવામાં આવે છે. આ વખતથી પીએચડીમાં એન્ટ્રેન્સ તરીકે પણ યુજીસી નેટ સ્કોર સ્વીકારવામાં આવશે.
6 વર્ષ બાદ પેન-પેપર મોડમાં યોજાઈ હતી પરીક્ષા
તમને જણાવી દઈએ કે, આ વખતે યુજીસી નેટ પરીક્ષા અલગ-અલગ તબક્કાઓમાં સીબીટી (કોમ્પ્યુટર બેસ્ડ ટેસ્ટ) મોડ દ્વારા યોજવાને બદલે એક જ દિવસમાં પેન પેપર મોડમાં (OMR શીટ) યોજવામાં આવી હતી. 6 વર્ષ પછી UGCએ ફરીથી NET પરીક્ષા ઑફલાઇન મોડ (પેન પેપર મોડ)માં યોજી હતી. પરંતુ પેપર લીક થયા બાદ હવે NTAએ ફરીથી CBT મોડમાં મલ્ટીપલ શિફ્ટ્સ પરીક્ષા લેવાનો નિર્ણય લીધો છે.
મોકૂફ રાખી હતી પરીક્ષા
NTAની નેશનલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (NCET) પરીક્ષા અગાઉ 12 જૂનના રોજ યોજાવાની હતી પરંતુ NTAએ ટેકનિકલ મુશ્કેલીઓને કારણે તેને મોકૂફ કરી દીધી હતી. ચાર વર્ષના B.Ed કોર્સ (ITEP)માં એડમિશન માટે આ પ્રવેશ પરીક્ષા યોજવામાં આવે છે. CSIR UGC NET પરીક્ષા 2024 25 જૂનથી 27 જૂન, 2024 દરમિયાન યોજાવાની હતી, પરંતુ NTA એ તેને પણ મુલતવી રાખી હતી. જુનિયર રિસર્ચ ફેલોશિપ અને આસિસ્ટન્ટ પ્રોફેસર અને વિજ્ઞાનના અભ્યાસક્રમોમાં પીએચડીમાં પ્રવેશ માટે યોગ્યતા નક્કી કરવા માટે સંયુક્ત CSIR UGC NET પરીક્ષા લેવામાં આવે છે.
ADVERTISEMENT