NEET UG 2024: મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ UG (NEET UG) પરીક્ષા આજે દેશભરમાં લેવાશે. ગુજરાતમાંથી અંદાજે 80 હજાર જેટલા વિદ્યાર્થીઓ અને દેશમાંથી 24 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઉમેદવારોને દોઢ વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવાનું સૂચન કરવામાં આવ્યું છે. આજે બપોરે 2 થી 5:20 દરમ્યાન પરીક્ષા લેવામાં આવશે.
ADVERTISEMENT
ગુજરાતમાંથી 80 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
આ પરીક્ષા માટે દેશભરના 557 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. જેમાં ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, ગાંધીનગર તેમજ મહેસાણા સહિતનાં કુલ 31 શહેરોમાં પરીક્ષા લેવાશે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો કુલ 21 સેન્ટર પર અંદાજે 9 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારે ચાલુ વર્ષે ધો. 12 માં સાયન્યમાં બી ગ્રુપ સાથે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પૈકી સીબીએસઈ બોર્ડ સંલગ્ન સ્કૂલનાં તેમજ ગત વર્ષે જે વિદ્યાર્થીઓએ ઓછો સ્કોર મેળવ્યો હોય તે વિદ્યાર્થીઓ પણ રજીસ્ટ્રેશન કરાવતા હોય છે. ત્યારે ગુજરાતમાંથી 80 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
પરીક્ષા કેન્દ્રમાં કેટલું સાથે રાખી શકાય?
- ઓરિજનલ આઈડી પ્રૂફ જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ/ડ્રાઈવિંગ લાયસન્સ/વોટર આઈડી/12મા ધોરણનું બોર્ડ એડમિટ કાર્ડ
- ફોટોકોપી કોઈપણ સંજોગોમાં માન્ય રહેશે નહીં
- એક પારદર્શક પાણીની બોટલ સાથે રાખી શકશો અને જો કોઈ દિવ્યાંગ છે તો તમારે તેને સંબંધિત પ્રમાણપત્ર સાથે રાખવું પડશે
- તમારી સાથે કોઈપણ પ્રકારનું ઈલેક્ટ્રોનિક ડિવાઇસ, મોબાઈલ ફોન, બ્લૂટૂથ ડિવાઇસ બિલકુલ લાવશો નહીં.
કેવું હોય છે પેપર?
NEET UG પરીક્ષા 13 ભાષાઓમાં લેવામાં આવે છે, જેમાં 180 MCQ પૂછવામાં આવે છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં 200 મિનિટનો સમય આપવામાં આવે છે. NEET UG પરીક્ષાનું પરિણામ જૂનમાં જાહેર થશે, ત્યારબાદ કાઉન્સેલિંગ શરૂઆત થશે.
ADVERTISEMENT