LRD-PSI Recruitment: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટર સહિત કુલ 12472 પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેની ફોર્મ ભરવાની મુદત 30 એપ્રિલ સુધી હતી, જોકે હવે ગ્રેજ્યુએટ યુવાનોને ફોર્મ ભરવાની વધુ એક તક આપતા આગામી 26 ઓગસ્ટથી ફોર્મ ભરવાની વિન્ડો ફરી શરૂ કરાશે. સાથે જ હસમુખ પટેલ દ્વારા પરીક્ષાને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
હસમુખ પટેલે પરીક્ષા પર કર્યું ટ્વીટ
પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું કે, લોકરક્ષક તથા PSI ભરતીમાં એપ્રિલ મહિનામાં જે ઉમેદવારો અરજી કરવામાં બાકી રહી ગયેલી તે તમામ ઉમેદવારો માટે 26 ઓગસ્ટ થી 9 સપ્ટેમ્બર સુધી અરજી કરવાની તક આપવામાં આવશે. સાથે તેમણે અન્ય એક ટ્વીટમાં કહ્યું કે, 'PSI લેખિત પરીક્ષામાં બંને પેપર એક સાથે લેવામાં આવશે અને જે ઉમેદવારો પેપર 1માં પાસ થયા હશે તેમનું પેપર 2 તપાસવામાં આવશે.' એટલે કે ઉમેદવારોએ પ્રથમ પ્રશ્નપત્રમાં ખાસ પાસ થવાનું રહેશે.
નવા નિયમ સાથે યોજાશે પરીક્ષા
આ વખતે પોલીસ ભરતી નવા નિયમો સાથે થશે. જે પ્રમાણે શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને ધ્યાનમાં લેવામાં આવશે નહીં, તે સિવાય શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે એના કોઈ ગુણ આપશે નહીં અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ત્યારબાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.MCQ ટેસ્ટને બદલે 200 માર્ક્સનું એક જ પેપર લેવાશે.
શારીરિક કસોટી બાદ અગાઉ ઉમેદવારોને બે કલાકની 100 ગુણની MCQ TEST આપવાની રહેતી હતી. પરંતુ હવે 200 ગુણનું 3 કલાકનું OBJECTIVE MCQ TESTનું એક જ પેપર લેવામાં આવશે. આ પેપર ભાગ-A અને ભાગ-B એમ 2 ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત લાવાના રહેશે. જૂના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાઇકોલોજી, સોશિયોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવિડન્સ એક્ટ જેવા વિષયોને હવે રદ્દ કરવામાં આવ્યા છે.
ક્યા પદ પર કેટલી ભરતી થશે?
ગુજરાત પોલીસ ભરતી વિભાગમાં 12472 પદો પર ભરતી કરવામં આવશે. જેમાં બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં 316 પુરુષ અને 156 મહિલા કર્મચારીની ભરતી કરવામાં આવશે. તો બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલમાં 4422 પુરુષ અને 2187 મહિલા ઉમેદવારની ભરતી કરાશે. હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (એસઆરપીએફ) પદ માટે 1000 પુરુષ ઉમેદવાર પાસેથી અરજી મંગાવી છે. જેલ સિપાઇમાં 1013 પુરુષ અને 85 મહિલા કર્મીની ભરતી થશે.
ADVERTISEMENT