Gujarat Madresa Survey: ગુજરાતમાં ચાલી રહેલી 1150 જેટલા સરકારી અને ગ્રાન્ટેડ મદરેસાઓ માટે સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગના આદેશ અનુસાર, ગુજરાતના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને સરકારી અને ગ્રાન્ટેડ મદરેસાઓમાં અભ્યાસ કરતા બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓનો સર્વે કરીને મદરેસાઓના મેપિંગ, મદરેસાઓને ભંડોળ સહિત 11 મુદ્દાઓ પર 24 કલાકમાં ઓનલાઈન રિપોર્ટ ફાઈલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
અચાનક કેમ અપાયા તપાસના આદેશ?
નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સે મુખ્ય સચિવ પાસેથી ગુજરાતના તમામ મદરેસાઓની માહિતી માંગી છે. જે બાદ મદરેસાઓની તપાસનો આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ જારી કરીને શિક્ષણ વિભાગે કહ્યું છે કે, મદરેસામાં ભણતા તમામ બાળકો સામાન્ય શાળાઓમાં અભ્યાસ કરે તે જરૂરી છે. આથી તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓએ એક ટીમ બનાવીને મદરેસાઓમાં ભણતા બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓનો સર્વે કરી તાત્કાલિક મદરેસાઓનું મેપીંગ કરવું જોઈએ.
કયા-કયા મુદ્દાઓની કરાશે તપાસ?
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓના સર્વે સિવાય બાળકોની ઉંમર, મદરેસા માલિકનું નામ, ટ્રસ્ટ કે સંસ્થાની વિગતોની પણ માહિતી એકત્રિત કરવાનો આદેશ આપ્યો છે. જેણે મદરેસાને મંજૂરી આપી છે, અભ્યાસનો સમય, કેટલા ઓરડાઓ છે, કેટલા શિક્ષકો છે, બાળકો અન્ય કોઈ શાળામાં અભ્યાસ કરે છે કે નહીં તે અંગેનો રિપોર્ટ પણ ઓનલાઈન ફાઈલ કરવામાં આવે. ઉપરાંત મદરેસા શિક્ષકોના પગારના સ્ત્રોતની માહિતી મેળવવામાં આવે અને મદરેસાઓ પાસે બીયુ અને ફાયર એનઓસી છે કે કેમ તે પણ તપાસ કરવામાં આવે.
બપોર સુધીમાં રિપોર્ટ જમા કરાવવા આદેશ
શિક્ષણ વિભાગના આદેશ બાદ ગુજરાતના જિલ્લા શિક્ષણાધિકારીઓ દ્વારા મદરેસાઓનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. અલગ-અલગ ટીમો મદરેસામાં પહોંચીને તમામ 11 મુદ્દાઓની માહિતી એકઠી કરી રહી છે. અમદાવાદની વાત કરીએ તો શહેરમાં લગભગ 175 જેટલા મદરેસા છે. શિક્ષણ વિભાગને બપોરે 3 વાગ્યા સુધીમાં ઓનલાઈન રિપોર્ટ જમા કરાવવા જણાવાયું છે.
ADVERTISEMENT