Gujarat Board Result: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ના પરિણામ ગત મે મહિનામાં જાહેર કરવામાં આવ્યા હતા. જોકે કેટલાક વિદ્યાર્થીઓએ પરિણામથી નાખુશ થઈને રીચેકિંગ માટે અરજી કરી હતી. હવે ગુણચકાસણી માટેના પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરાયા છે અને તેને બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ગુણ ચકાસણી બાદ કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા?
બોર્ડ દ્વારા ગુણચકાસણી કરાયા બાદ ધો.10 અને 12ના 58 જેટલા વિદ્યાર્થીઓના માર્ક્સમાં વધારો થયો હતો અને નાપાસ થયેલા આ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ ઉપરાંત કુલ 688 જેટલા વિદ્યાર્થીઓના માર્ક્સમાં વધારો થયો છે. જેમાં ધો.10ના 317 તો ધો.12 સાયન્સના 287 અને સામાન્ય પ્રવાહના 84 જેટલા વિદ્યાર્થીઓના માર્ક્સમાં વધારો થયો છે.
અરજી કરનારા ઉમેદવારો પોતાની વિગતો બોર્ડની વેબસાઈટ www.gseb.org પર અથવા ssc.gseb.org પર 11 જૂનથી 21 જૂન 2024 સુધી તેમના માર્ક્સની વિગતો ઓનલાઈન જોઈ અને ડાઉનલોડ કરી શકશે.
વિદ્યાર્થીઓએ હજારોની સંખ્યામાં કરી હતી અરજી
ખાસ છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત 9 મેના રોજ ધો.12 સામાન્ય પ્રવાહ અને સાયન્સનું પરિણામ જાહેર કરાયું હતું. આ બાદ 11 મેએ ધો.10 બોર્ડનું પરિણામ જાહેર કરાયું હતું. જેમાં પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓને ગુણ ચકાસણી માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં રાજ્યભરમાંથી બોર્ડને ધો.12 સાયન્સમાં 1800થી વધુ, ધો.12 સામાન્ય પ્રવાહમાં 4200થી વધુ અને ધો.10માં 4900થી વધુ અરજીઓ મળી હતી.
પૂરક પરીક્ષા માટે વિદ્યાર્થી કરી શકશે અરજી
ગુણ ચકાસણી બાદ જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા માટે પાત્ર બન્યા છે તેઓ 21મી જૂન સુધી અરજી કરી શકશે. ખાસ છે કે ધો.10 માટે વધુમાં વધુ 3 વિષયમાં નાપાસ હોય તેવા વિદ્યાર્થીઓ આ વર્ષથી અરજી કરી શકશે. જ્યારે ધો.12 સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં 2 વિષય સુધીમાં નાપાસ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા માટે અરજી કરી શકશે. આ માટે 21 જૂન સુધીમાં સ્કૂલોએ વિદ્યાર્થીઓની વિગત અને સુધારેલા માર્ક્સ સહિતની વિગત બોર્ડને મોકલવાની રહેશે અને વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના રહેશે.
ADVERTISEMENT