- વડોદરામાં પાણીપુરીના બટેટા પગથી ધોવાનો વીડિયો સામે આવ્યો
- શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આઈસક્રિમની દુકાનમાં હતું પાણીપુરીનું કાઉન્ટર
- વીડિયો વાઈરલ થયા બાદ VMCનું આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા
Vadodara News: બહારની પાણીપુરી ખાવાના (Pani Puri) શોખીનોને માટે ચેતવતો વીડિયો હાલમાં સામે આવ્યો છે. વીડિયોમાં પાણીપુરીમાં વપરાતા બટેટાને પગથી ધોતા યુવક દેખાઈ રહ્યો છે. આ વીડિયો વડોદરા વિસ્તારનો હોવાનું કહેવાઈ રહ્યું છે. વીડિયો વાઈરલ થયા બાદ વડોદરા મહાનગર પાલિકાનું (VMC) આરોગ્ય વિભાગ દોડતું થયું હતું અને પાણીપુરીનું કાઉન્ટર સીલ મારી દીધું હતું.
ADVERTISEMENT
આઈસક્રીમની દુકાનમાં હતું પાણીપુરીનું કાઉન્ટર
વીડિયો મુજબ, વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા ભૈરૂનાથ આઈસક્રીમની દુકાનમાં દેવનારાયણ પાણી પુરીનું કાઉન્ટર આવેલું છે. અહીં પાણી પુરીમાં વપરાતા બટેટાને બે કારીગર દ્વારા તપેલામાં પગ નાખીને પાણીથી ધોવામાં આવતા હતા. જેનો વીડિયો એક જાગૃત નાગરિકે ઉતારી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. લોકોના આરોગ્ય સાથે આ રીતે ચેડા થતા હોવાથી વીડિયો વાઈરલ થતા જ વડોદરા મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી ગઈ હતી.
આરોગ્ય વિભાગે કાઉન્ટર જપ્ત કર્યું
આ બાદ આરોગ્ય વિભાગે દેવનારાયણ પાણીપુરી પર દરોડા પાડીને પાણીપુરીના કાઉન્ટરને જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી. આ સાથે જ ભેરૂનાથ આઈસક્રિમની દુકાનમાં પણ આઈસક્રિમના સેમ્પલ લીધા હતા અને તેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. ઘટના બાદ VMCના આરોગ્ય અમલદાર ડો. મુકેશ વૈધે જણાવ્યું કે, વીડિયો સામે આવતા અમારા ફૂડ ઈન્સ્પેક્ટર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફરી આવી ઘટના ન બને તે માટે ફૂડ સેફ્ટી અધિકારીઓની ચાર ટીમ બનાવવામાં આવશે અને અલગ અલગ વિસ્તારોમાં પાણીપુરી સહિત અન્ય ખાણીપીણીની લારીઓ પર ચકાસણી હાથ ધરાશે.
ADVERTISEMENT