Vadodara News: રાજ્યમાં મા કાર્ડ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ ધરાવતા ગરબી દર્દીઓને સારવાર આપતી ખાનગી હોસ્પિટલો ખોટા બિલ બનાવીને પૈસા ઉઘરાવતી હોવાની ફરિયાદો સામે આવતી રહે છે. આ વચ્ચે વડોદરાની જાણીતી સ્ટર્લિંગ હોસ્પિટલ પણ આ પ્રકારનું કૌભાંડ આચરતી હોવાનું સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલને 3 મહિના માટે સસ્પેન્ડ કરીને લાખોનો દંડ ફટકાર્યો છે.
ADVERTISEMENT
PMJAY યોજના હેઠળ દર્દીઓને સારવારની ના પાડી હતી
વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા 3 જેટલા દર્દીઓની PMJAY યોજના અંતર્ગત સારવાર કરવામાં આવી ન હતી અને સારવાર કરવાની ના પડી તેઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. ઉપરાંત આ 3 દર્દીઓ પાસેથી તેઓએ 5 લાખ ઉપરાંતની રકમ પણ વસૂલી હતી. જે અંગેની ફરિયાદ વડોદરા જિલ્લા આરોગ્ય વિભાગને મળી હતી. જેના આધારે આરોગ્ય વિભાગે તપાસ કરતા આ 3 દર્દીઓની સારવાર માટે હોસ્પિટલ દ્વારા પૈસા વસુલવામાં આવ્યા હોવાનું ફલિત થયું હતું. હોસ્પિટલે આ દર્દીઓ પાસેથી અનુક્રમે 2.50 લાખ, 1.80 લાખ અને 1.38 લાખ રૂપિા વસૂલ કર્યા હતા.
હોસ્પિટલને 28 લાખનો દંડ ફટકારાયો
જેના પગલે આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલ સામે દંડનીય કામગીરી હાથ ધરી હતી. વિભાગે હોસ્પિટલને રૂ.28.40 લાખનો દંડ ફટકાર્યો છે. વધુમાં આ હોસ્પિટલ આગામી 3 મહિના માટે આ યોજના અંતર્ગત નવા દર્દીઓને સારવાર માટે દાખલ નહીં કરી શકે. આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે. જે દર્દીઓ હાલ સારવાર લઇ રહ્યા છે તેમની સારવાર કરી શકાશે.
(દિગ્વિજય પાઠક, વડોદરા)
ADVERTISEMENT