Vadodara News: વડોદરા ગોત્રી પોલીસે અકોટા વિસ્તારમાં ચાલી રહેલી બર્થડે પાર્ટી ઉપર દરોડો પડ્યો હતો અને દારૂની મહેફિલ માણી રહેલા 21 જેટલા યુવક અને યુવતીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ખાનદાની નબીરાએ જન્મ દિવસની પાર્ટી આપી હતી. જેમાં પોલીસે પહોંચી જઈને રંગમાં ભંગ પાડ્યો હતો. પોલીસને જોઈએ કેટલાય નાશાબાજોનો નશો ઉતરી ગયો હતો.
ADVERTISEMENT
બાતમીના આધારે બર્થડે પાર્ટીમાં પોલીસની રેડ
શહેરના અકોટા અતિથી ગૃહની સામે આવેલા ગામઠી બંગલામાં દારુની મહેફીલ ચાલી રહી હોવાની બાતમી ગોત્રી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે ગામઠી બંગલામાં વોચ કર્યા બાદ ગણતરીની મિનીટોમાં દરોડો પાડ્યો હતો. પોલીસે બંગલાનો બંધ દરવાજો ખખડાવતા જ દારુની મહેફીલ માણી રહેલા યુવાનો અને યુવતીઓના હોંશ ઉડી ગયા હતા.
બદનામીના બીકે નબીરાઓએ મોં છુપાવ્યા
ઝડપાયા બાદ બદનામીની બીકે ખાનદાની નબીરાઓ મોં છુપાવતા નજરે પડ્યા હતા. જો કે મોટા માં-બાપની ઔલાદો પકડાતા રાજકીય દબાણ લાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે પોલીસ તેને વશ થઇ ન હતી અને નબીરાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
ભાજપ અગ્રણીના સંબંધીનો પુત્ર પણ પકડાયો!
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ભાજપના અગ્રણીના સંબંધીનો પુત્ર પણ દારૂની આ મહેફિલમાં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. જેને લઈને ઘણા રાજકીય આગેવાનોના ગોત્રી પોલીસ સ્ટેશનમાં આંટાફેરા શરૂ થયા છે. ત્યારે સવાલો એ થાય છે કે સંસ્કારી નગરીમાં દારૂ કેવી રીતે પહોંચી રહ્યો છે.
(દિગ્વિજય પાઠક, વડોદરા)
ADVERTISEMENT