Vadodara Rain: વડોદરામાં વરસાદનું રૌદ્ર રૂપ જોવા મળી રહ્યું છે. વિશ્વામિત્રી નદી હાલમાં ભયનજક સપાટીથી 8 ફૂટ ઉપર વહી રહી છે. જેના કારણે નદીમાં પૂર આવ્યું છે. વિશ્વામિત્રી નદીના પાણી વડોદરા શહેરમાં ફરી વળતા અનેક વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. શહેરના મંગલપાંડે રોડ, સમા ગામ, વેમાલી અને સયાજીગંજ સહિતના વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વિશ્વામિત્રી બેફામ થતા વડોદરા શહેર થંભી ગયું છે. શહેરની SSG હોસ્પિટલના પરિસરમાં પાણી ઘુસ્યા છે. જેના કારણે 50 દર્દીઓને પહેલા માળે શિફ્ટ કરવાની ફરજ પડી છે.
ADVERTISEMENT
સમા વિસ્તારમાં સિદ્ધાર્થ સોસાયટીમાં 4-5 ફૂટ પાણી ભરાયા
શહેરના સમા સાવલી રોડ પર આવેલા સિદ્ધાર્થ બંગલોમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં 4-5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ ઘરવખરીને પાણીથી બચાવવા માટે પહેલા માળે ચડાવવી પડી હતી.
ચેતક બ્રિજમાં કાર અને બસ ડૂબ્યા
તો સમા ચેતક બ્રિજ પણ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બ્રિજમાંથી પસાર થતી બસ અધવચ્ચે ફસાઈ જતા અંદર બેઠેલો લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બ્રિજની વચ્ચે એક કાર પણ પાણીમાં ડૂબી ગઈ હતી. જેનો વીડિયો સામે આવ્યો છે.
SDRFની 3 ટીમો રેસ્ક્યૂ માટે બોલાવાઈ
હાલમાં વડોદરામાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ ઉપરવાસમાંથી છોડવામાં આવી રહેલા ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીની જળસપાટી વધી રહી છે. હાલમાં નદી 34 ફૂટે પહોંચી છે, જે ભયજનક સપાટીથી 8 ફૂટ વધુ છે. નદીની સપાટી વધતા કાંઠા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. વરસાદના પાણીમાં અનેક લોકો ફસાયા છે, જેમને રેસ્ક્યુ કરવા માટે SDRFની 3 ટીમો બોલાવવામાં આવી છે. બોટ દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT