Vadodara Rain News: મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પહલે સવારી વડોદરામાં વરસાદ શરૂ થયો હતો. 8 કલાકમાં 6 ઈંચ વરસાદથી વડોદરા શહેર અને જિલ્લામાં અનેક જગ્યાઓ પાણી ભરાયા હતા. ભારે વરસાદના પગલે GIDCના કર્મચારીઓને ઘરે પહોંચવા માટે કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સાથે જ ઈમરજન્સી કન્ટ્રોલ નંબર પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. તો જિલ્લા શિક્ષણાધિકારીએ આવતીકાલે 25 જુલાઈ માટે તમામ શાળા-કોલેજોમાં રજાઓ જાહેર કરી દીધી છે.
ADVERTISEMENT
વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીની નજીક
વડોદરામાં વરસાદના કારણે SDRFની બે ટીમને સ્ટેન્ડ બાય રખાઈ છે. NDRFની ટીમને પણ સ્ટેન્ડ બાય પર રાખવા માટે જણાવાયું છે. વિશ્વામિત્રી નદી હાલમાં 19.58 ફૂટની સપાટીએ વહી રહી છે, જ્યારે નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. અલકાપુરી ગરનાળું આખું પાણીમાં ગરકાવ થઈ જતા રસ્તો બંધ થઈ ગયો હતો.
નવાયાર્ડમાં ઘરોમાં પાણી ઘુસ્યા
નવાયાર્ડ વિસ્તારમાં લોકોના ઘરોના પાણી ઘુસી જતા ઘરવખરી પલળી ગઈ હતી. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રની પ્રિમોન્સૂનની કામગીરીના દાવા પોકળ સાબિત થયા હતા. સ્કૂલથી છૂટેલા વિદ્યાર્થીઓ અટવાઈ જતા ટ્રેક્ટર દ્વારા તેમને ઘરે પહોંચાડવામાં આવ્યા હતા.
વડોદરામાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
વડોદરા જિલ્લામાં પડેલા વરસાદની વાત કરીએ તો વડોદરામાં 6 ઈંચ પાદરામાં 8 કલાકમાં સાડા 7 ઈંચ, સનોરમાં 5 ઈંચ, કરજણમાં 4 ઈંચ, ડભોઈમાં 4 ઈંચ, વાઘોડિયામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો.
ADVERTISEMENT