Vadodara Harni Lake Tragedy: વડોદરા દુર્ઘટના પર CM ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યું દુઃખ, હરણી હોનારતમાં જવાબદાર કોણ?

Vadodara Harni Lake Disaster: વડોદરામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. વડોદરાના હરણીમાં આવેલા મોટનાથ તળાવમાં પ્રવાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓથી બોટ ડૂબી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.…

gujarattak
follow google news
Vadodara Harni Lake Disaster: વડોદરામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. વડોદરાના હરણીમાં આવેલા મોટનાથ તળાવમાં પ્રવાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓથી બોટ ડૂબી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ દુર્ઘટનામાં 10થી વધુના મોત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ મૃત્યુઆંક સતત વધી શકે છે. આ દુર્ઘટના પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો છે.

CM ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યું દુઃખ

સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ  (ટ્વિટર) પર લખ્યું છે કે, ‘વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું.દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.’

વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ: CM

મુખ્યમંત્રીએ વધુમાં લખ્યું છે કે,  ‘તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.’

શું છે સમગ્ર મામલો?

વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. તો આ દરમિયાન બાળકોને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા નહોતા.

રેસ્ક્યૂ ઓપરેશન ચાલું

આ ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનાની જાણ થતાં કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ  ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.
    follow whatsapp