Vadodara News: વડોદરમાં કામની શોધમાં આમથી તેમ ફરતી મહિલા પર ગેંગરેપ આચરવાનો ચૌંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બંગલામાં કામ અપાવવાના બહાને મહિલાને રીક્ષા ચાલકે અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો અને પોતાના બે મિત્રો સાથે મળીને તેના પર દુષ્કૃત્ય આચર્યું હતું. મહિલાની દીકરીએ માતાને ફોન કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી, જે બાદ પોલીસમાં ફરિયાદ નોંધાતા ગણતરીના કલાકોમાં જ પોલીસે ત્રણેય આરોપીઓને ઝડલી લીધા હતા.
ADVERTISEMENT
મહિલાને કામની લાલચ આપી નંબર મેળવ્યો
વિગતો મુજબ, વડોદરામાં 56 વર્ષની એક મહિલા ઘરકામ શોધવા ચપ્પલ બનાવતી એક મહિલાને પૂછી રહી હતી. દરમિયાન ત્યાં નજીકમાં રીક્ષામાં બેઠેલા વકીલ અહેમદ પઠાણે તેની વાત સાંભળી લીધી હતી અને મહિલાને બોલાવીને કહ્યું હતું કે, તમારો નંબર આપો, મારી પાસે એક બંગલાનું કામ છે. અડધા કલાક બાદ અહેમદ પઠાણે મહિલાને ફોન કર્યો અને બંગલામાં કામ માટે લઈ જવાની લાલચે તેને સમા વિસ્તારમાં પોતાના ઘરમાંથી બહાર બોલાવી હતી.
બંગલો બતાવવાના બહાને ઘરેથી ઉઠાવી ગયો
બાદમાં આરોપી યુવક મહિલાને રીક્ષામાં બેસાડીને છાણી જકાતનાકા પાસે એલ એન્ડ એનર્જી સેન્ટર પાસે લઈ ગયો હતો. અહીં આરોપી અહેમદ પઠાણના બે મિત્રો શકીલ પઠાણ અને ચમનખાન પઠાણ પહેલાથી બેઠેલા હતા. મહિલાને શંકા જતા તેણે બંને યુવકો વિશે પૂછ્યું હતું, જોકે એટલામાં જ ત્રણેય યુવકોએ મહિલાને પકડીને દિવાલ કુદાવી અવાવરું જગ્યાએ લઈ ગયા હતા અને તેની સાથે બિભત્સ વર્તન કરીને ગેંગરેપ આચર્યો હતો.
પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ
મોડે સુધી માતા ઘરે ન આવતા દીકરીએ તેને ફોન કર્યો હતો. ત્યારે માતાએ પોતાની સાથે થયેલી સમગ્ર વાત જણાવી હતી. આ બાદ દીકરીએ સ્થળ પર પહોંચીને પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કર્યો હતો. કોલ મળતા જ પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મહિલાની ફરિયાદ લઈને ગણતરીના કલાકમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા.
(દિગ્વિજય પાઠક, વડોદરા)
ADVERTISEMENT