દિગ્વિજય પાઠક/વડોદરા: વડોદરા કોર્ટમાં અજાણ્યો શખ્સ આજે બંદુક લઇને ઘૂસ્યો હોવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. આ સાથે ફરિયાદી અને આરોપી વચ્ચે મારામારીની ઘટના પણ બની છે. આ ઘટના બાદ કોર્ટ પરિસરમાં વકીલ, જજ તથા અન્યની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. આ ઘટનાને લઇને આગામી દિવસોમાં પોલીસ વિભાગમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવનાર હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. આ ઘટનામાં માથાભારે સફી ફ્રુટવાલા સામેલ છે.
ADVERTISEMENT
ચેક બાઉન્સ કેસમાં ફરિયાદ કરનાર પર જ આરોપીના પરિવારજનો તૂટી પડ્યા હતા. હુમલાનો ભોગ બનનારે નિઝામ ચિસ્તી મીડિયાને જણાવ્યું કે, મારી આજે તારીખ હતી. 138 ની ફરિયાદ દાખલ કરી છે. તેણે મારી જોડે ચિટીંગ કરી હતી, જેની મેં ફરિયાદ કરી હતી. આરોપી એનો જમાઇ સુફિયાન અને છોકરો ત્રણેય હતા. આરોપી શફી ફ્રુટવાલા અને સુફિયાન આવ્યા, હૈદરભાઇ મારી જોડે હતા. પહેલા તેમને હૈદરભાઇને માર્યા પછી મને દુરથી રિવોલ્વર બતાવી અને ઇશારો કર્યા બાદ મને મારવા માંડ્યા. તેના હાથમાં લોખંડની ફેંટ હતી. તેણે કહ્યું કે, તને જીવવા નહિ દઉં. જાનથી મારી નાંખીશ.
તાજેતરમાં સુરતની કોર્ટની એકદમ નજીક હત્યાની ઘટના સામે આવતા પરિસરની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. અને પોલીસ જવાનોની તૈનાતી પણ ચુસ્ત બનાવી દેવામાં આવી છે. આ ઘટના બાદ હવે વડોદરા કોર્ટમાંથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. કોર્ટ સુત્રોના જણાવ્યા અનુસાર, આજે કોર્ટ ચાલુ હતી ત્યારે ત્રીજા માળે આરોપી અને ફરિયાદી વચ્ચે મારામારીની ઘટના થઇ છે. દરમિયાન અજાણ્યો શખ્સ બંદુક લઇને આવ્યો હોવાનું પણ ધ્યાને આવ્યું છે. આ ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં વકીલ-જજ તથા ફરિયાદીની સુરક્ષાને લઇને ચિંતાજનક સવાલો ઉઠવા પામ્યા છે.
ADVERTISEMENT