Vadodara News: વડોદરામાં એક નશામાં ધૂત કાર ચાલકે પાંચ જેટલા લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ ચાલકને પકડીને લોકોએ પોલીસને સોંપી દીધો હતો. જોકે આ વાહન ચાલકને બચાવવા મોડી રાતે ભાજપાના કોર્પોરેટર પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને પોતાની વગનો દુરુપયોગ કર્યો કર્યો હતો. પરંતુ પોલીસે તેઓના દબાણમાં આવ્યા વગર ફરિયાદ નોંધી હતી.
ADVERTISEMENT
બેફામ કાર હંકારી વાહનોને અડફેટે લીધું
વડોદરામાં શનિવારે રાત્રે નશામાં ધૂત થયેલા એક યુવાને બેફામ કાર હંકારીને ચારથી પાંચ વાહનોને અડફેટમાં લીધા હતા. આ યુવાનને ભાન સુદ્ધા ન હતું છતાં ગાડી લઈને તેના મિત્રો સાથે નીકળ્યો હતો. આ અકસ્માતમાં એક પરિવારના બે સભ્યોને ઈજાઓ પણ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. યુવાન અંગે વાહનચાલકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવાનને પોલીસ મથક ખાતે લઇ આવી હતી.
ભાજપ કોર્પોરેટર યુવકને બચાવવા મેદાને પડ્યા
આ યુવાન રાજકીય વગ ધરાવતો હોઈ તેને પોલીસે પકડીને લઈ જતા જ બચાવવા માટે મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7ના ભાજપાના કોર્પોરેટર બંદિશ શાહ તેને છોડાવવા માટે પોલીસ મથક ખાતે પહોંચી ગયા હતા. જો કે પોલીસ તેઓના દબાણમાં આવી ન હતી અને યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે તેની કાર પણ જપ્ત કરી લીધી હતી.
(દિગ્વિજય પાઠક, વડોદરા)
ADVERTISEMENT