Vadodara News: વડોદરામાં ચાલું ટ્રેનમાં ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં મુંબઈથી રાજકોટ જતા આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 21 કિલો ચાંદીની ચોરી થઈ ગઈ છે. સીટની નીચે ચાંદી ભરેલી બેગ મૂકીને મુસાફરી કરતા આંગડિયા કર્મચારી પાસેથી 14 લાખની ચાંદી ચોરી થવા મામલે વડોદરા રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાતા આ મામલે તપાસ શરૂ કરાઈ છે.
ADVERTISEMENT
રાજકોટ લઈ જઈ રહ્યા હતા ચાંદી
વિગતો મુજબ, મુંબઈથી રાજકોટ જતી સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ મુસાફરી કરી રહ્યા હતા. સૂર્યા અને સ્વામિનારાયણ આંગડિયા પેઢીના 3 કર્મચારીઓ ટ્રેનમાં પોતાની સાથે રૂપિયા 14 લાખની કિંમતની 21 કિલો ચાંદી લઈને જઈ રહ્યા હતા. દરમિયાન આ ચાંદી ભરેલી બેગને સીટની નીચે મૂકી હતી. જોકે વડોદરા સ્ટેશન આવતા ચાંદી ભરેલી બેગ ચોરી થઈ ગઈ હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું.
રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી
કર્મચારીઓએ આસપાસમાં બેગની તપાસ કરી પરંતુ તે ન મળી. આથી પોતાના શેઠને ફોન કરીને જાણ કરી હતી. જેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવવાનું કહેતા ત્રણેય કર્મચારીઓ આણંદ સ્ટેશન ઉતર્યા અને ફરી વડોદરા પાછા આવીને રેલવે પોલીસને આ મામલે જાણ કરી હતી. રેલવે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આ મામલે તપાસ શરૂ કરી હતી.
(ઈનપુટ: દિગ્વિજય પાઠક, વડોદરા)
ADVERTISEMENT