Ketal Inamdar Resign: લોકસભા ચૂંટણી પહેલા જ વડોદરા ભાજપમાં આંતરિક નારાજગીએ પાર્ટીની ચિંતા વધારી દીધી છે. મોડી રાત્રે અચાનક સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામાં બાદ હવે તેમના સમર્થકોએ પણ પાર્ટીમાંથી રાજીનામાં ધરી દીધા છે. તેમના સમર્થનમાં હવે સાવલી તાલુકાના 15 જેટલા સરપંચોએ પણ રાજીનામાં આપ્યા છે. સાથે સાવલી તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેનના પણ રાજીનામા પડ્યા છે. તો આ મામલે સી.આર પાટીલની પણ પ્રતિક્રિયા સામે આવી છે.
ADVERTISEMENT
કેતન ઈનામદારની નારાજગી પર પાટીલે શું કહ્યું?
ગાંધીનગરમાં કેતન ઈનામદારના રાજીનામા પર પ્રતિક્રિયા આપતા સી.આર પાટીલે કહ્યું કે, માણસ છે, એટલે નારાજગી તો થાય. ભાજપમાં ભરતીમેળાથી કેતના ઈનામદારની નારાજગીના સવાલ પર પાટીલે કહ્યું કે, પાર્ટીમાં કોને લેવા ના લેવા એ પાર્ટી નક્કી કરશે. કોઈ ધારાસભ્ય નક્કી ના કરે. પાર્ટીના નીતિ નિયમ મુજબ કામ થાય.
પાટીલ સાથે મુલાકાત કરશે કેતન ઈનામદાર
રાજીનામા પર કેતન ઈનામદાર સી.આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરવાના છે. આ માટે તેઓ ગાંધીનગર માટે રવાના થઈ ગયા છે. જોકે આ પહેલા તેમણે કહ્યું કે, હું રાજીનામાને લઈને અડગ છું. તેઓ રાજીનામા પર નહીં માને તે વાત પર તેમણે કહ્યું કે, હું તેમને મનાવીશ.
વિધાનસભા અધ્યક્ષને મેઈલ કરી આપ્યું રાજીનામું
વિધાનસભાના અધ્યક્ષને ઈમેઈલ કરીને કેતન ઈનામદારે મોડી રાતે જ રાજીનામું આપી દીધું હતું. કેતન ઈનામદારે પોતાના ત્રણ લાઈનના પત્રમાં લખ્યું હતું કે, હું કેતન કુમાર મહેન્દ્રભાઈ ઈનામદાર સાવલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરુ છું. મારા અંતર આત્માના અવાજને માન આપીને મારા ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપું છું. જે સ્વીકારવા વિનંતી છે.
ADVERTISEMENT