દિગ્વિજય પાઠક/વડોદરા: વડોદરા ભાજપમાં આંતરિક કકળાટ સામે આવ્યો છે. શહેરના મેયર નિલેશ રાઠોડ પર ગંભીર આક્ષેપો કરતી પત્રિકા ફરતી થઈ હતી, જેમાં પોલીસે ગુનો નોંધીને બે આરોપીઓની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે બાદ બંને આરોપીઓને જામીન પર મુક્ત કરાયા હતા.આરોપીઓની પૂછપરછમાં અમિત લીંબાચિયાએ પોતાના બનેવાના કહેવાથી આમ કર્યું હોવાનું જણાવ્યું હતું. આ ઘટનામાં ભાજપના જ કોર્પોરેટરનું નામ આવતા શાસક પક્ષના નેતા અને કોર્પોરેટર અલ્પેશ લિંબાચીયાનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. તો આજે સવારે તેમની ધરપકડ કરીને તેમની પૂછપરછ કરાઈ રહી હોવાનું પણ સામે આવી રહ્યું છે.
ADVERTISEMENT
મેયર અને તેમના ભાઈ પર ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે પત્રિકા વાઈરલ થઈ
વડોદરાના મેયર નિલેશ રાઠોડ તથા તેમના ભાઈ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરતી પત્રિકા પોસ્ટ દ્વારા ભાજપના હોદ્દેદારો તથા કોર્પોરેટરોને મળી હતી. જે બાદ શહેરમાં રાજકીય ભૂકંપ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. એવામાં મેયર નિલેશ રાઠોડે શહેર પોલીસ કમિશનર શમશેરસિંહને રજૂઆત કરતા ક્રાઈમબ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી. આ તપાસમાં ખૂલ્યું હતું કે પત્રિકા રાવપુરા GPOથી પોસ્ટ કરાઈ હતી, કારમાં બે વ્યક્તિ આવ્યા હતા અને પત્રિકાના કવર પોસ્ટ કર્યા હતા.
આરોપીની ધરપકડમાં ખૂલ્યું ભાજપનું કનેક્શન
જેમાં સીસીટીવી તથા અન્ય ટેકનિકલ પુરાવાના આધારે ધનશ્યામ લિંબાચિયા અને આકાશ નાયી વિરુદ્ધ ગુનો નોંધીને બંનેની ધરપકડ કરી હતી. તો પોલીસને પણ અમિત લીંબાચિયાની ઓફિસમાંથી પ્રિન્ટરસ, લેપટોપ અને મોબાઈલ સહિતની વસ્તુઓ કબજે કરી છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા તેમણે ગુનો કબૂલી લીધો હતો, જોકે તેમને જામીન પર મુક્ત કરાયા હતા.
શાસક પત્રના નેતાના સાળો નીકળ્યો આરોપી
અમિત લિંબાચિયા એ ભાજપના વોર્ડ નં.19ના કોર્પોરેટર અને શાસક પક્ષના નેતા અલ્પેશ લિંબાચિયાના સાળા હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ભાજપ દ્વારા અલ્પેશ લિંબાચિયાનું રાજીનામું માગી લેવામાં આવ્યું હતું, જે બાદ તેમણે પોતાના શાસક પક્ષના પદેથી રાજીનામું આપી દીધું હતું. એવામાં ભાજપના જ મેયર સામેની પત્રિકા વાઈરલ થવામાં ભાજપનું જ કનેક્શન નીકળતા અંદરખાને પણ ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે.
ADVERTISEMENT