વડોદરા હરણી તળાવ દુર્ઘટનાઃ 2 બાળકો માં વિનાના થઈ ગયા, મૃતક શિક્ષિકાના સ્વજનોએ ભીની આંખે કહ્યું- જવાબદાર સામે પગલાં લેવામાં આવે

Vadodara Harni Lake Tragedy: વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો હરણી તળાવ ખાતે પિકનિક માટે ગયા હતા, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આ જીવનની આખરી…

gujarattak
follow google news
Vadodara Harni Lake Tragedy: વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો હરણી તળાવ ખાતે પિકનિક માટે ગયા હતા, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આ જીવનની આખરી પિકનિક હશે. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસડવામાં આવ્યા હતા, જેના કારણે બોટ પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં 12 માસુમ બાળકો અને 2 શિક્ષકાના દુઃખદ અવસાન થયા છે. આ દુર્ઘટનાને પગલે આખું ગુજરાત હચમચી ઉઠ્યું છે. આ દુર્ઘટનામાં પોતાના બાળકોને ગુમાવનાર માતા-પિતાની આંખોમાંથી આંસુ સુકાઈ રહ્યા નથી. દુર્ઘટનામાં પોતાના વ્હાલસોયાને ગુમાનાર માં-બાપનું આક્રંદ કેવું હશે, એનું કલ્પાંત કેવું હશે તેની અનુભૂતિથી જ કંપારી છુટી જાય છે.

બે બાળકો માં વિનાના થઈ ગયા

આ ગોઝારી ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકાના મૃત્યુ થયા છે. દુર્ઘટનામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના શિક્ષિકા ફાલ્ગુની બેનનું પણ દુઃખદ અવસાન થયું છે. શિક્ષિકાના અવસાન બાદ તેમના બે બાળકો માં વિનાના થઈ ગયા હતા. મૃતક ફાલ્ગુની બેનના પરિવારમાં માતમ છવાયો છે. મૃતકના સ્વજનોએ આંસુ ભીની આંખે ન્યાયની માંગ કરી છે.

‘અમારા માટે સૌથી મોટી દુઃખની ઘડી છે’

મૃતક શિક્ષિકા ફાલ્ગુની બેનના સ્વજનોએ કહ્યું કે, આજે અમારા માટે આ સૌથી મોટી દુઃખની ઘડી છે, આ મામલે અમે વધુ કહી શકી તેમ નથી. પરંતુ જવાબદાર સામે પગલાં લેવા જોઈએ.

શિક્ષિકા ફાલ્ગુની બેનનું બોટ દુર્ઘટનામાં નિધન

આપને જણાવીએ કે, 25 વર્ષથી ફાલ્ગુની બેન શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા.  મૃતક શિક્ષિકા ફાલ્ગુની બેનના ઘરે 2 બાળકો, પતિ અને સાસુ સસરા છે. તેમના નિધનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બોટ સંચાલકની બેદરકારીથી  2 બાળકોએ પોતાની માં ગુમાવી છે.
    follow whatsapp