વડોદરા: શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા મહિલાએ બે દીકરીઓને ઝેરી દવા પીવડાવીને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી. આ બાદ પોતે પણ ફાંસો ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલમાં આપઘાતના પ્રયાસ બાદ મહિલાને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. સાથે જ ઘરમાંથી સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં આ પગલા પાછળ આર્થિક સંકડામણ કારણ હોવાનું કહેવાયું છે.
ADVERTISEMENT
દીકરીઓને ઝેરી દવા પીવડાવી
કારેલીબાગ વિસ્તારમાં અક્ષતા સોસાયટીમાં દક્ષાબેન ચૌહાણ ભાડાના મકાનમાં રહેતા હતા. તેમના પતિ સાથે છૂટાછેડા થયેલા છે અને સંતાનમાં 19 અને 8 વર્ષની બે દીકરીઓ હતી. આજે મંગળવારે વહેલી સવારે દક્ષાબેને બંને દીકરીઓના હાથ-પગ બાંધીને ઝેરી દવા પીવડાવી હતી, જોકે તેઓ ન મરતા ગળું દબાવીને તેમને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બાદ તેમણે પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે ઉપરના માળે રહેતી એક મહિલાને ઘરમાંથી યુવક નીકળતા દેખાતા તેણે બુમાબુમ કરી અને ઘરમાં જોતા ફાંસો ખાધેલી હાલતમાં દક્ષાબેનને નીચે ઉતારી લેવાયા હતા. બાદમાં તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.
આર્થિક સંકડામણમાં ભર્યું પગલું
ઘટનાની જાણ થતા જ સ્થળે પર FSLની ટીમ પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. જેમાં ઘરમાંથી બ્લેડ તથા ઝેરી દવાના નમુના કબજે કરાયા હતા. સાથે ઘરમાંથી સુસાઈડ નોટ પણ મળી હતી. જેમાં નબળી આર્થિક સ્થિતિના કારણે આ પગલું ભર્યું હોવાનું ઉલ્લેખ કરાયો હતો. ઉપરાંત મોટી દીકરીને એરહોસ્ટેસ બનવું હતું.
ઘટના પર ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, દક્ષા નામની મહિલા 15 દિવસ પહેલા જ સોસાયટીમાં રહેવા આવી હતી. તે બંને દીકરીઓની ફી અને મકાનનું ભાડું આપી શકતી નહોતી. આર્થિક સ્થિતિ પણ ખરાબ હતી. એવામાં પોતાની દીકરીઓને ઝેરી દવા પીવડાવીને પોતે પણ ફાંસી લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
ADVERTISEMENT