વડોદરા: વડોદરામાં શહેરીજનોને વાહન અકસ્માત કરતા રખડતા ઢોરની સમસ્યા વધુ ચિંતા કરાવી રહી છે. ગુરુવારે શહેરના ગોત્રી વિસ્તારમાં રોડ પર દોડતી ગાયે ટુ-વ્હીલર પર જતા દંપતીને અડફેટે લીધા હતા. ઘટનામાં બંનેને માથામાં ગંભીર ઈજા પહોંચતા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી.
ADVERTISEMENT
વડોદરાના ગોત્રી વિસ્તારમાં સૂર્યનગર સોસાયટીમાં રહેતા અને ડિલિવરી બોય તરીકે કામ કરતા કુલદીપ રાઠવા ગુરુવારે બપોરે પોતાની પત્ની સાથે ટુ-વ્હીલર પર ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન ગોત્રી સાયન્સ સ્કૂલ નજીક રોડ પર અચાનક દોડતી આવેલી ગાયે અડફેટે લેતા ટુ-વ્હીલર ડિવાઈડર સાથે અથડાયું હતું અને દંપતી રોડ પર નીચે પટકાયું હતું. ઘટનામાં પતિ અને પત્ની બંનેને માથામાં ઈજા પહોંચતા લોહીલુહાણ થઈ ગયા હતા.
બનાવને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત દંપતીને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. તો પરિવારજનો પણ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. હાલમાં બંનેની હાલત સ્થિર હોવાનું જણાવાઈ રહ્યું છે. તો સ્થાનિકોમાં પણ પાલિકાની બેદરકારીભરી કામગીરી પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT