Yusuf Pathan News: ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને TMCના બહેરાપુરના લોકસભા સાંસદ યુસુફ પઠાણ મુશ્કેલીમાં મુકાયા છે. હકીકતમાં યુસુફ પઠાણ દ્વારા વડોદરા નગરપાલિકાના પ્લોટમાં દબાણ કરવાનો આરોપ લાગ્યો છે. આ આરોપ ભાજપના જ પૂર્વ કોર્પોરેટર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને પત્ર લખીને કરવામાં આવ્યો છે. જોકે પાલિકા દ્વારા આ અંગે યુસુફ પઠાણને નોટિસ પાઠવવામાં આવી છે અને 15 દિવસમાં પ્લોટ પરથી દબાણ દૂર કરવા અંગે કહેવાયું છે.
ADVERTISEMENT
યુસુફ પઠાણ પર જમીન પચાવવાનો આરોપ
હકીકતમાં વડોદરામાં તાંદળજા શુભમ પાર્ટી પ્લોટ પાસે આવેલો ટી.પી સ્કીન નં.22નો રહેણાંક હેતુ ધરાવતો 978 મીટરનો પ્લોટ નં.90 યુસુફ પઠાણે ખરીદવા માટે 2012માં માંગ કરી હતી. આ અંગે પાલિકાની સામાન્ય સભામાં સર્વાનુમતે દરખાસ્ત મંજૂર કરાઈ હતી. જોકે 2014માં શહેરી વિકાસ વિભાગે દરખાસ્તને નામંજૂર કરી હતી અને આ જમીન યુસુફ પઠાણને નહીં આપવાનો નિર્ણય કર્યો હતો. જોકે આ જમીન પર બગીચો અને તબેલો યુસુફ પઠાણ દ્વારા બનાવાયો છે અને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
કોર્પોરેશને 15 દિવસની નોટિસ આપી
આ અંગે હવે પૂર્વ કોર્પોરેટર વિજય પવાર દ્વારા 11 જૂનના રોજ પત્ર લખીને સ્થાયી સમિતીને તપાસ કરવા કહેવાયું હતું. જોકે વિગતો મળી રહી છે કે 6 જૂનના રોજ પાલિકા દ્વારા યુસુફ પઠાણને પહેલાથી જ નોટિસ આપવામાં આવી છે અને 15 દિવસમાં પ્લોટ ખાલી કરીને દબાણ દૂર કરવા માટે કહેવાયું છે. જો યુસુફ પઠાણ દ્વારા નોટિસ મુજબ પાલન કરવામાં નહીં આવે તો પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT