Gujarat Politics: ગુજરાતમાં આજે અમદાવાદ સહિત 8 મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તથા ડે. મેયરના નામની જાહેરાત થવાની હતી. જેમાં અમદાવાદ અને વડોદરાના મેયર તથા ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. અમદાવાદના મેયર તરીકે પ્રતિભા જૈન તો વડોદરાના મેયર તરીકે પિંકીબેન સોનીના નામની જાહેરાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
અમદાવાદને પણ નવા મેયર મળ્યા
અમદાવાદમાં મ્યુનિ. કોર્પોરેશનમાં ભાજપના શાસન પક્ષની અઢી વર્ષની ટર્મ પૂરી થતા આજે નવા મેયરની જાહેરાત કરવામાં આવી છે. જેમાં શાહીબાગ વોર્ડના પ્રતિભા જૈનની નવા મેયર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર જતીન પટેલને ડેપ્યુટી મેયર બનાવાયા છે. તો દેવાંગ દાણીની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે કોર્પોરેટર ગૌરાંપ પ્રજાપતિને મૂકવામાં આવ્યા છે. તમામ હોદ્દેદારોનો કાર્યકાળ 2.5 વર્ષનો રહેશે.
વડોદરાના ડે.મેયર તરીકે કોની નિમણૂંક?
વડોદરાના મેયર તરીકે પિંકીબેન સોનીના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ચિરાગ બારોટ ડેપ્યુટી મેયર બન્યા છે અને શાસક પક્ષના નેતા તરીકે મનોજ પટેલની પસંદગી કરવામાં આવી છે. તો સ્ટેન્ડિંગ ચેરમેન પદ પર ડો. શીતલ મિસ્ત્રીની પસંદગી કરવામાં આવી છે.
પિંકીબેન સોની વડોદરા શહેરના 61મા અને ચોથા મહિલા મેયર બન્યા છે. આ પહેલા ભારતીબેન વ્યાસ, ડો. જ્યોતિ પંડ્યા, ડો. જીગીષાબેન શેઠ વડોદરાના મેયર રહી ચૂક્યા છે. વડોદરા શહેર ભાજપ પ્રભારી ગોરધન ઝડફિયાએ ભાજપ કાર્યાલય પહોંચીને મેયર તથા અન્ય પદાધિકારીઓના નામની જાહેરાત કરી હતી.
ADVERTISEMENT