Vadodara News: લોકસભાની ચૂંટણી પહેલા જ વડોદરા ભાજપમાં ભડકો થયો છે. ગઈકાલે બુધવારે જ વડોદરા લોકસભા સીટ પરથી ભાજપે ઉમેદવારની જાહેરાત કરી અને ત્રીજી વખત વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટને ટિકિટ આપી છે. આ વચ્ચે આજે ગુરુવારે ભાજપે રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાને તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદ પરથી સસ્પેન્ડ કરી દીધા છે. જોકે પાર્ટી દ્વારા આ માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી.
ADVERTISEMENT
આ પણ વાંચો: ચૂંટણી સમયે ભાજપના કાર્યકરો અને નેતાઓને બોલવા પર પ્રતિબંધ, પાર્ટીનો કડક સંદેશ
ટિકિટ ન મળતા હતા નારાજ
જોકે ભાજપની આ કાર્યવાહી બાદ ડો. જ્યોતિ પંડ્યાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને વડોદરામાં ત્રીજી વખત સાંસદ રંજનબેન ભટ્ટને ટિકિટ મળતા પોતાનો બળાપો ઠાલવ્યો હતો. ડો. જ્યોતિ પંડ્યા વડોદરા બેઠક પર લોકસભાના ઉમેદવાર તરીકે રેસમાં હતા પરંતુ અંતમાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા રંજનબેન ભટ્ટની પસંદગી કરાઈ હતી. આથી ડો. જ્યોતિ પંડ્યાએ સાંજે 5 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા. જોકે, આ પહેલા જ 4.30 વાગ્યે પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. એવામાં વડોદરા ભાજપમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે.
'મારા જેવા કેડર આધારિત કાર્યકર્તાઓ પાર્ટીમાં દુ:ખી છે'
ડો. જ્યોતિ પંડ્યાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, વડોદરાનો વિકાસ અને મોદીજી મારા આદર્શ છે. મોદી સાહેબ જેમની વિકાસની પરિભાષા છે. બાજુમાં સુરત, આ બાજુ અમદાવાદ બધે આપણે જોઈ રહ્યા છીએ. ક્યાં આપણા વડોદરાની વાત. ગઈકાલે ત્રીજી વખત રંજનબેનને ફરી એકવાર ટિકિટ જાહેર થઈ છે. આખી રાતથી મારું જમીર એમ કહે છે કે, મારી પાર્ટીને, મોદીજી સુધી વાત ન પહોંચતી હોય, પ્રદેશ પ્રમુખ સુધી વાત ન પહોંચતી હોય તો પાર્ટીમાં અમારા જેવા કેડર આધારિત કાર્યકર્તાઓ દુઃખી છે.
આ પણ વાંચો: અંકલેશ્વરમાં ધો.10 બોર્ડની પરીક્ષામાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓના હિજાબ કઢાવતા વિવાદ, CCTV સામે આવ્યા
વડોદરામાં થતા ભ્રષ્ટાચાર તરફ કર્યો ઈશારો
તેમણે વધુમાં ઉમેર્યું કે, તમે જાણો છો છેલ્લા ઘણા વખતથી વિકાસ માટે મૂડી જોઈએ તે ક્યાં જતી રહી છે. એ બાબતે હું દુઃખી છું. મારી નારાજગી કોઈ તરફ નથી. પરંતુ આ બેનને ત્રીજી ટર્મની ટિકિટ આપવામાં એવી તો કઈ અનિવાર્યતા છે. એવું તો તમને વડોદરાવાસીઓ પાસેથી શું જોઈએ છે કે તમે આને આજ ઝંખો છો. મારે પૂછવું છે કે એવી કઈ અનિવાર્યતા છે કે ત્રણ-ત્રણ ટર્મ સુધી આપણે સ્ત્રી હઠને માની લેવી પડે. હું પણ સ્ત્રી છું. મેં 28-30 વર્ષ સુધી ભાજપનું નિષ્ઠાથી કામ કર્યું છે. મેં મેયર કાળ દરમિયાન કોઈપણ ભ્રષ્ટાચાર ન કરવો જોઈએ તે વાત પકડી રાખી. મારે શહેરમાં વિકાસ જોઈએ છીએ. અને હું તે માટે સક્ષમ છું.
ADVERTISEMENT