Valentines Day Special: સુરતમાં આવી છે પ્રેમની ગલી, એક જ શેરીના 70થી વધુ પ્રેમી-પંખીડાઓએ કર્યા પ્રેમ લગ્ન

Valentines Day Special: સુરતના સૈયદપુરા વિસ્તારમાં કાછીયા શેરીમાં રહેતા લોકો પેઢીઓથી પ્રેમલગ્ન કરતા આવ્યા છે. આજે પણ આ શેરીમાં 70 જેટલા એવા દંપતી છે જેમણે પ્રેમ લગ્ન કર્યા છે અને સુખેથી સહપરિવાર દામ્પત્યજીવન વ્યતીત કરી રહ્યા છે.

સુરતની પ્રેમ ગલીની તસવીર

Surat News

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

સુરતના સૈયદપુરા વિસ્તારમાં એક શેરી છે જેનું નામ છે, કાછીયા શેરી.

point

શાકભાજીના વેપારી અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો આ કણબી કાછીયા સમાજ છે.

point

શેરીમાં રહેતા લોકો વચ્ચે જ 70 જેટલા લગ્ન થયા હોય એવી ઘટના સુખદ આશ્ચર્ય પમાડે છે.

Valentines Day Special: બે અલગ-અલગ દેશ, બે અલગ-અલગ રાજ્યમાં રહેતા યુગલ વચ્ચે પ્રેમ અને લગ્નના ઘણા કિસ્સાઓ તમે સાંભળ્યા હશે. બની શકે એમાં સામેલ પણ થયા હોય, એક જ શહેરમાં પ્રેમ અને લગ્ન તો અઢળક છે. ગામમાં પિયરિયુંને ગામમાં સાસરિયું એવુ પણ બને પરંતુ એક મહાનગરમાં એક જ શેરીમાં રહેતા લોકો વચ્ચે જ 70 જેટલા લગ્ન થયા હોય એવી ઘટના સુખદ આશ્ચર્ય પમાડે છે. આજે પ્રેમના દિવસે એટલે કે વેલેન્ટાઈન્સ ડે પર અમે તમને સુરતની આવી જ એક શેરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. 

એક જ સમાજના 150થી વધુ પરિવાર શેરીમાં રહે છે

સુરતના સૈયદપુરા વિસ્તારમાં એક શેરી છે જેનું નામ છે, કાછીયા શેરી. શાકભાજીના વેપારી અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો આ કણબી કાછીયા સમાજ છે. સુરતમાં આ સમાજની સૌથી વધુ વસ્તી કાછીયા શેરીમાં છે જ્યાં 150થી વધુ પરિવાર છે. જ્યારે આ શેરીની  બિલકુલ બાજુમાં ધોબી શેરીમાં પણ આ સમાજના 30-40 જેટલા પરિવાર છે. આ ઉપરાંત સુરતમાં રાણીતળાવ, મંછરપુરા, સગરામપુરા, સલાબતપુરા, નાનપુરા વગેરે વિસ્તારમાં પણ સમાજના કેટલાક ઘર છે. વસ્તીની દૃષ્ટિએ સુરત સિટી એરિયામાં 1850 જેટલી વસ્તી છે.

70 જેટલા દંપતીએ પ્રેમ લગ્ન કર્યા છે

કાછિયા સમાજના લોકો બાપ-દાદાના સમયથી અહીં વસવાટ કરે છે. અહીં પેઢીથી લોકો પ્રેમલગ્ન કરતા આવ્યા છે અને આજે પણ આ શેરીમાં 70 જેટલા એવા દંપતી છે જેમણે પ્રેમ લગ્ન કર્યા છે અને સુખેથી સહપરિવાર દામ્પત્યજીવન વ્યતીત કરી રહ્યા છે.

શેરીના 90 ટકા લોકોએ પ્રેમ લગ્ન કર્યા છે

કાછિયા ગલીમાં રહેતા અને પ્રેમલગ્ન કરનારા કૌશિકા બેન પટેલે જણાવ્યું કે, હું સૈયદપરાની કાછિયા ગલીમાં રહું છું અને આ શેરીને પ્રેમની ગલી કહેવામાં આવે છે કારણ કે અહીં 90 ટકા લોકો પ્રેમ લગ્ન કરેલા છે. મારું સાસરું પણ સામ સામે જ છે. 10 પગથિયા ચાલતા જ મારું સાસરું આવી જાય છે. અહીં મોટાભાગના અમારી જ્ઞાતિના લોકો પ્રેમલગ્ન કરે છે, બંને એકબીજાને પરિચીત હોય છે. મેં પણ પ્રેમલગ્ન કરેલા છે.

સાથે કોલેજ જતા પ્રેમમાં પડ્યા

કાછીયા ગલીમાં જ રહેતા અને પ્રેમ લગ્ન કરનારા જીતેન્દ્ર હિંમતલાલ ભાઠાવાલે પોતાની લવ સ્ટોરી સંભળાવતા કહ્યું કે, આ બેન બોર્ડની પરીક્ષા આપતા હતા, ત્યારે મારી પાસે ગણિત શીખવા માટે આવતા હતા. બોર્ડની પરીક્ષાનું પરિણામ આવવાનું હતું ત્યારે તેમનું પરિણામ લેવા પણ હું ગયો હતો. પરિણામ સારું આવ્યું, કોલેજમાં એડમિશન લીધું અને અમે સાથે કોલેજ આવતા-જતા થયા. અમે સાથે જતા હતા એ દરમિયાન 3 વર્ષની અંદર અમે એકબીજાની એટલા નજીક આવી ગયા, કે સમાજના પણ કોઈને ખબર ન પડી. પછી અમે માતા-પિતાની મરજીથી લગ્ન કર્યા. 


(સંજયસિંહ રાઠોડ, સુરત)
 

    follow whatsapp