Piyush Dhanani Accident : સુરતમાં ટ્રાફિકની જાગૃતિથી વિવાદમાં રહેતા પિયુષ ધાનાણીના નામે વધુ એક વિવાદ ઉભો થયો છે. યુટ્યુબર પિયુષ ધાનાણી સુરતમાં ટ્રાફિક નિયમનું પાલન કરાવવા જતા એક બાઈક ચાલક સાથે અકસ્માત કરી બેઠા હતા. પિયુષ ધાનાણીએ પોતે રોંગસાઈડ વાહન ચલાવીને બાઈક સવારને અડફેટે લીધો હતો. આ દરમિયાન બાઈક સવારને ઈજા પહોંચતા લોકો ઉશ્કેરાઈ ગયા હતા. જે ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
ADVERTISEMENT
પિયુષ ધાનાણીએ પોતે અકસ્માત કર્યાની કરી કબુલાત
અકસ્માત બાદ ઉશ્કેરાયેલા લોકોએ પિયુષ ધાનાણીની પાસે તેમનાં જ મોબાઇલમાં લાઇવ કરી પોતે અકસ્માત કર્યાની કબુલાત કરાવી હતી. પિયુષ ધાનાણી વીડિયોમાં જણાવી રહ્યા છે કે, 'મારાથી ભૂલ થઈ છે અને આ યુવકનો હોસ્પિટલનો ખર્ચ અને અકસ્માતના કારણે તે જેટલાં દિવસ ઘરે રહેશે તે પ્રમાણે તેમની નોકરીનો જે પગાર હશે તે આપવા તૈયાર છું.'
અકસ્માતમાં મને પણ પગમાં વાગ્યું છે : પિયુષ ધાનાણી
પિયુષ ધાનાણીએ કહી રહ્યા છે કે, અકસ્માતમાં મને પણ પગમાં વાગ્યું છે. 7 મી એપ્રિલે અહીં અકસ્માતમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા અને તંત્રએ અહીં સ્પીડ બ્રેકર નથી મુકેલા જેને લઈને લોકોને જાગૃત કરવા વીડિયો બનાવી રહ્યો હતો. ત્યારે એક બસ રોંગ સાઈડ જતાં તેને રોકવા પીછો કરવાની લ્હાયમાં પોતે આ બાઇક સવાર સાથે અકસ્માત થયો હતો.
મહિલાએ પિયુષ ધાનાણીને લાફો ઝીંક્યો હતો
થોડા દિવસ અગાઉ યુટ્યુબર પિયુષ ધાનાણી રોંગ સાઇડથી આવતા વાહનોને રોકવા જતા લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. ચાલુ મોપેડ પર ફોન પર વાત કરતી એક મહિલાને અટકાવવા જતા આ મહિલાએ પિયુષ ધાનાણીને લાફા ઝીંક્યા હતા. જોકે, અગાઉ પણ પિયુષ ધાનાણીને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો.
ADVERTISEMENT