- સુરતના ઉધના વિસ્તારમાં નિર્માણાધીન સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની હતી.
- આ અકસ્માતમાં સ્લેબ પર કામ કરતા બે મજૂરો જમીન પર પટકાયા હતા.
- પોલીસે આ મામલે FIR નોંધીને જવાબદાર સામે પગલા લેવાની કાર્યવાહી શરૂ કરી.
Surat News: સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોન વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં શનિવારે બપોરે એક સ્લેબ પાડવાની ઘટના બની હતી. આ ઘટનામાં બાંધકામની સાઈટ પર કામ કરતા એક મજુરનું મૃત્યુ થયું છે, જ્યારે બે મજૂરો ઇજાગ્રસ્ત થયા છે. ઉધના ઝોન વિસ્તારમાં બનેલી આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. જેમાં બે મજૂરો સ્લેબ સાથે નીચે ફટકાતા દેખાઈ આવે છે.
ADVERTISEMENT
ઉધના ઝોનમાં નવા બાંધકામની ગેલેરીનો સ્લેબ પડ્યો
સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોન વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના પ્લોટ નંબ. 86, 87, 88માં નવા બાંધકામની ગેલેરીના સ્લેબ સાથે બે મજૂરો નીચે પટકાયા હતા. આ ઘટનાને જોઈને આસપાસના બીજા લોકો નીચે પડેલા મજૂરોને બચાવવા માટે પહોંચી જાય છે.
સ્લેબની સાથે બે મજૂરો જમીન પર પટકાયા
ગેલેરીના સ્લેબની સાથે નીચે પટકાયેલા બે મજૂરોમાંથી એકનું મોત થઈ ગયું છે, જ્યારે બીજા મજુરને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ભરતી કરવામાં આવ્યો છે. જ્યારે અહીં પ્લાસ્ટરનું કામ કરી રહેલા એક મજૂર ટેકાનો સહારો લઈને લટકી જાય છે અને હેમખેમ પોતાનો જીવ બચાવી લે છે. આ ઘટનાની જાણ થતા સામાજિક સંગઠનના લોકો પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી જાય છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા બીજા મજૂરો આખા ઘટનાનું વર્ણન કર્યું હતું.
પોલીસે નોંધી FIR
સુરતના ઉધના ખાતે બી.આર.સી લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલમાં બનેલી આ ઘટનામાં એક મજૂરના મોત અને બીજા મજૂરોને ઘાયલની ઘટનાને લઈને પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. સુરત શહેર પોલીસના ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, ઘટના અંગે પોલીસ એફઆઈઆર દાખલ કરવાની છે અને આની અંદર જે કોઈ જવાબદાર હશે એની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
(સંજયસિંહ રાઠોડ, સુરત)
ADVERTISEMENT