સુરત મહિલા કોન્સ્ટેબલે પ્રેમમાં બેવફાઈ મળતા કર્યો આપઘાત? પોલીસ તપાસમાં પોલીસકર્મી જ નીકળ્યો પ્રેમી

Surat Lady Constable: સુરત શહેરના સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે સોમવારે સાંજે પોતાના જ ઘરમાં ગળામાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

Surat News

Surat News

follow google news

Surat Lady Constable: સુરત શહેરના સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે સોમવારે સાંજે પોતાના જ ઘરમાં ગળામાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. શરૂઆતમાં તો પોલીસને પણ મહિલા કોન્સ્ટેબલના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું ન હતું, પરંતુ પોલીસ તપાસ આગળ વધતાં સામે આવ્યું કે આત્મહત્યા કરનાર મહિલા કોન્સ્ટેબલ તેના સાથી પોલીસ કોન્સ્ટેબલ સાથે પ્રેમમાં હતા. બેવફાઈની આશંકા થતાં તેણે આપઘાત કર્યો હતો. જેના પ્રેમમાં મહિલા કોન્સ્ટેબલ હતી એ પોલીસ કોન્સ્ટેબલ હાલ સુરત શહેર પોલીસના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.

ફ્લેટમાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કર્યો હતો

સુરત શહેરના સિંગણપોર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કંથારિયા હનુમાન મંદિર પાસેના મહેશ્વરી એપાર્ટમેન્ટમાં રહેતી અને શહેરના સિંગણપોર પોલીસ સ્ટેશનમાં તહેનાત મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન ચૌધરીએ સોમવારે સાંજે પોતાના જ ફ્લેટમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરી એ મહિલા કોન્સ્ટેબલની રૂમમેટ જીગીષા કે જેઓ પૂર્વ પોલીસ કોન્સ્ટેબલ છે અને હાલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે તે શનિવાર અને રવિવારની રજા હોવાથી તે ફ્લેટમાં નહોતી તે તેના ગામ જતી રહી હતી. સોમવારે તે ઘરે પરત આવી ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. તેણે હર્ષનાને ફોન કર્યો ત્યારે તેણે કોલ રિસીવ કર્યો ન હતો. 

પોલીસને ફ્લેટમાંથી મળી સુસાઈડ નોટ

કંઈક ગરબડ હોવાની આશંકા સાથે જીગીષાએ આ અંગે પોલીસને જાણ કરી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને દરવાજો તોડીને જોયું તો મહિલા કોન્સ્ટેબલ મૃત હાલતમાં લટકતી હતી.પોલીસે મહિલા કોન્સ્ટેબલની લાશને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી હતી. આ દરમિયાન પોલીસને મહિલા કોન્સ્ટેબલના ફ્લેટમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં મહિલા કોન્સ્ટેબલે લખ્યું હતું કે, તે જીવનથી કંટાળી ગઈ છે, મારા જીવિત હોવાનો કોઈ અર્થ નથી મેં મોટી ભૂલ કરી છે. મહિલા કોન્સ્ટેબલે સુસાઈડ નોટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. આ સુસાઈડ નોટના આધારે પોલીસે તેના મોબાઈલની કોલ ડિટેઈલ અને મેસેજની તપાસ શરૂ કરી હતી, જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે તેના મૃત્યુ પહેલા મહિલા કોન્સ્ટેબલ હર્ષના ચૌધરીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં તૈનાત પ્રશાંત ભોયેને અનેક વખત ફોન કર્યા હતા. આ ખુલાસો થયા પછી મહિલા કોન્સ્ટેબલની આત્મહત્યાના મામલામાં નવો વળાંક આવ્યો છે.

પોલીસકર્મી સાથે પ્રેમમાં હતા મહિલા પોલીસ

મહિલા કોન્સ્ટેબલના આત્મહત્યા કેસની તપાસ કરી રહેલા સિંગણપોર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર વાય.જી ગોહિલે જણાવ્યું હતું કે, કોન્સ્ટેબલ પ્રશાંત ભોયેને આત્મહત્યા કરનાર કોન્સ્ટેબલ હર્ષના ચૌધરી સાથે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો. હર્ષના ચૌધરી સુરતના માંગરોળ વિસ્તારની રહેવાસી છે અને પ્રશાંત ડાંગ જિલ્લાનો રહેવાસી છે. હર્ષના ચૌધરી અને પ્રશાંત ભોયેએ બે વર્ષ સુધી સિંગાપોર પોલીસ સ્ટેશનમાં સાથે કામ કર્યું છે. મહિલા કોન્સ્ટેબલ હર્ષના ચૌધરીની આત્મહત્યાના કેસમાં મંગળવારે સાંજે સુરત શહેરના સાયબર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ભોયેને પોલીસ સ્ટેશન બોલાવીને જવાબ લેવામાં આવ્યો હતો.

3 વર્ષથી બંને પ્રેમ સંબંધમાં હતા

આત્મહત્યા કરનાર મહિલા કોન્સ્ટેબલ સાથે કોન્સ્ટેબલ પ્રશાંતના ક્યા સંબંધ હતા તે જાણવા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંતની પૂછપરછ દરમિયાન તેણે મૃતક મહિલા કોન્સ્ટેબલ સાથે પ્રેમસંબંધ હોવાની કબૂલાત કરી હતી. તેણે પોલીસને જણાવ્યું કે, જ્યારે તે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં પોસ્ટેડ હતો ત્યારે તેને મહિલા કોન્સ્ટેબલ હર્ષના ચૌધરી સાથે પ્રેમ સંબંધ હતો. થોડા દિવસ પહેલા જ તેની શહેરના સિંગણપોર પોલીસ સ્ટેશનમાંથી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી હતી. અગાઉ તેનો માર્ગ અકસ્માત થયો હતો જેના કારણે તે રજા પર તેના ગામ ડાંગ ગયો હતો. ત્યાં મોબાઈલ નેટવર્કની સમસ્યાને કારણે હું હર્ષના ચૌધરી સાથે સંપર્કમાં રહી શક્યો ન હતો. બે દિવસ પહેલા તે ફરીથી કામ પર હાજર થયો હતો. 

આપઘાત પહેલા મહિલા પોલીસે પ્રેમીને કર્યા હતા ફોન

હર્ષના તેને મળવા બોલાવતી હતી પરંતુ તે તેની નોકરીના કારણે તેને મળવા જઈ શક્યો ન હતો. આત્મહત્યા કરતા પહેલા કોન્સ્ટેબલ હર્ષના ચૌધરીએ પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ભોયને અનેકવાર ફોન કર્યા હતા અને તેમને મળવા માટે મેસેજ પણ કર્યા હતા, પરંતુ પ્રશાંતે કોલ રિસીવ કર્યા ન હતા, તેના મેસેજનો જવાબ પણ આપ્યો ન હતો. પોલીસ સૂત્રોનું માનીએ તો આત્મહત્યા કરનાર સુરત પોલીસની મહિલા કોન્સ્ટેબલ હર્ષના ચૌધરીએ છેલ્લા એક મહિનામાં પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ભોયેને સેંકડો વખત ફોન કર્યા હતા. સોમવારે બપોરે જે દિવસે મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરી હતી તે દિવસે પણ ફોન કર્યો હતો પરંતુ પ્રશાંતે ફોન રિસીવ કર્યો ન હતો. મહિલા કોન્સ્ટેબલ હર્ષનાએ તેના પ્રેમી પ્રશાંતને સાડા બાર વાગ્યે મળવા બોલાવતો મેસેજ પણ લખ્યો હતો પરંતુ પ્રશાંતે મેસેજનો જવાબ પણ આપ્યો ન હતો. કોન્સ્ટેબલ પ્રશાંત ભોયેને છેલ્લો સંદેશો મોકલ્યા બાદ મહિલા કોન્સ્ટેબલે તેની સાથે બેવફા હોવાની આશંકાથી જીવનનો અંત આણ્યો હોવાની શક્યતા છે.

(સંજયસિંહ રાઠોડ, સુરત)
 

    follow whatsapp