Surat News: સુરતમાં કારગીલ ચોકની સાધના નિકેતન શાળામાં વિદ્યાર્થિનીને ઢોર માર મારવાની ઘટના સામે આવી છે. જુનિયર કેજીમાં અભ્યાસ કરતી 4 વર્ષની બાળકીને શિક્ષિકાએ 35 વખત ધબ્બા માર્યા હતા. બાળકીને માર મારવાની આ ઘટના ક્લાસરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેનો વીડિયો સામે આવ્યો છે. ઘટના બાદ બાળકીના પરિવારજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
શિક્ષિકાએ બાળકીને માર માર્યો
વિગતો મુજબ, સુરતમાં કાપોદરા વિસ્તારમાં આવેલી સાધના નિકેતન શાળામાં કેજીની વિદ્યાર્થિની માતા-પિતાએ શિક્ષિકાએ માર માર્યો હોવાની ફરિયાદ કરી હતી. બાળકી શાળાએથી ઘરે આવી ત્યારે યુનિફોર્મ બદલતા સમયે તેના શરીર પર ઈજાના નિશાન દેખાયા હતા. આ જોઈને માતાએ બાળકીને પૂછતા તેણે ટીચરે માર્યું હોવાનું જણાવ્યું હતું. બાળકીને માર મારવાની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. જેનો વીડિયો સામે આવતા લોકોમાં આ અંગે ચર્ચાઓ શરૂ થઈ છે.
ઘટના બાદ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તપાસના આદેશ આપી દીધા હતા. તેમણે કહ્યું હતું કે, આ પ્રકારની ઘટનાને ચલાવી લેવામાં નહીં આવે. તો શાળા બાદ શિક્ષિકા જશોદા ખોખરીયાને શાળામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
(ઈનપુટ: સંજયસિંહ રાઠોડ)
ADVERTISEMENT