સુરત: ગુજરાતમાં પોલીસ ફરી એકવાર નાગરિકો સાથે ગેરવર્તણૂક કરવાને લઈને વિવાદમાં આવી છે. સુરત રેલવે પોલીસ દ્વારા વાહન ચાલકને લાફા મારવામાં આવ્યા હતા, જેની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ મામલે વીડિયો વાઈરલ થતા હવે કિસ્સો ચર્ચામાં આવ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ, ટ્રાફિક મેમો બાબતે મારામારી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટ્સ મુજબ, સુરત રેલવે પોલીસે એક વાહન ચાલકને લાફા માર્યા હતા, જે બાદ પોલીસતંત્રની સામે સવાલો થઈ રહ્યા છે. હકીકતમાં ટ્રાફિક મેમો બાબતે રેલવે પોલીસ અને વાહન ચાલક વચ્ચે માથાકૂટ થઈ હતી. જોકે અચાનક પોતાનો મિજાજ ગુમાવતા રેલવે પોલીસનો કર્મી વાહન ચાલકને લાફો મારી દે છે. જોકે આ દરમિયાન ઘટનાનો વીડિયો અન્ય વ્યક્તિ પોતાના કેમેરામાં ઉતારી લે છે. પોતાનો વીડિયો ઉતરતા જોઈને પોલીસકર્મી આ યુવક પાસે આવીને ફોન ઝૂંટવાનો પ્રયાસ કરતા દેખાય છે.
ઘટના અંગે સુરતના એડવોકેટ મેહુલ બોઘરાએ ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે કે, આ છે અમારા સુરત રેલવે પોલીસ સ્ટેશનના જાંબાજ સિંઘમ પોલીસ કર્મચારીઓ જેણે કોઈ આતંકવાદી નથી પકડ્યો પરંતુ માત્ર ટ્રાફિક ચલણ બાબતે વાહન ચાલક સાથે મારામારી કરી રહ્યા છે. તારીખ 05 ઓગસ્ટ 2023 શનિવારના રોજ રેલ્વે સ્ટેશન, સુરત ખાતે માત્ર ટ્રાફિક ચલણ બાબતે વાહન ચાલકને ખોટી રીતે રોકવામાં આવ્યો; જે બાબતે વાહન ચાલકે પોતે કોઈ નિયમનો ભંગ કર્યો નથી તેવું જણાવી અને ખોટી ગેરકાયદેસર કાર્યવાહી કરતાં પોલીસ કર્મચારીઓનો વિડીયો બનાવતા; પોલીસે પોતાનો અહમ સંતોષવા માટે “પોલીસ નો વિડીયો ઉતારે છે” એવું કહી વાહન ચાલક સાથે મારામારી કરી, ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી કન્ફેશન લખાવડાવ્યું. જે બાબતે વાહન ચાલક સાથે વાતચીત કરી અને ફરિયાદ માટે ઓફિસે આવવા જણાવ્યું હતું.
ADVERTISEMENT