સુરત: સુરત પોલીસે 23 વર્ષથી હત્યાના ગુનામાં ભાગતા ફરતા વોન્ટેડ આરોપીને ઉત્તર પ્રદેશના મથુરામાંથી ઝડપી લીધો છે. હત્યાનો આરોપી ઘણા વર્ષોથી મથુરાના આશ્રમમાં સાધુનો વેશ ધારણ કરીને રહેતો હતો. જોકે આખરે 23 વર્ષ બાદ સુરત પોલીસના 3 જવાનો પોતે સાધુનો વેશ ધારણ કરીને ત્યાં પહોંચ્યા અને આરોપીને પકડી લીધો. ખાસ વાત એ છે કે, આરોપી પર સરકાર દ્વારા 45000 રૂપિયાનું ઈનામ પણ રાખવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
આરોપી પર 45000 રૂપિયાનું ઈનામ હતું
વિગતો મુજબ, સુરત શહેરના 15 મોસ્ટ વોન્ટેડ આરોપીઓની માહિતી જે તે પોલીસ સ્ટેશનમાંથી મેળવીને તેમને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. જેમાં ઉધના વિસ્તારમાં 2001માં હત્યાની ઘટના બની હતી. જેનો આરોપી પર સરકારે 45000 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. પોલીસને બાતમી મળી હતી કે, હત્યાનો આરોપી ઉત્તર પ્રદેશના મથુરામાં નંદ ગામ ખાતે કોઈ આશ્રમમાં સાધુ બનીને રહે છે.
મથુરાના 100 આશ્રમ ફરી વળ્યા પોલીસના 3 જવાન
આથી પોલીસે એક ટીમ બનાવીને મથુરામાં મોકલી. મથુરામાં તપાસ કરતા ત્યાં 100થી વધુ ધાર્મિક સ્થળો અને આશ્રમો આવેલા હતા. એવામાં આરોપી કયા આશ્રમમાં છે તે શોધવું મુશ્કેલ હતી. ત્યારે સુરત પોલીસના 3 જવાનોએ સાધુનો વેશ ધારણ કર્યો અને બે દિવસ અલગ-અલગ આશ્રમોમાં ફર્યા. જે બાદ તેમને આરોપીના વર્ણન જેવી વ્યક્તિ ઈસમ કુંજકુટી નામના આશ્રમમાં હોવાની માહિતી મળી. આથી પોલીસ ત્યાં સેવાર્થી બનીને પહોંચી અને આરોપીનો પરિચય કેળવીને તેને વિશ્વાસમાં લીધો. બાદમાં તેના પર્સનલ ડેટા અને પરિવારની માહિતી વિશે ખરાઈ કરી. જે બાદ હત્યાના ગુનામાં વોન્ટેડ આરોપી પદમ ઉર્ફે રાકેશને પકડી લેવામાં સફળતા મળી હતી.
પ્રેમ સંબંધમાં યુવકની કરી હતી હત્યા
આરોપીને સુરત લાવીને પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, 2001માં તે ઉધનાના શાંતિનગર વિસ્તારમાં ભાડે રૂમ રાખીને રહેતો હતો. તેને પાડોશમાં એક મહિલા સાથે પ્રેમ સંબંધ હતો અને તે મહિલાના ઘરે વિજય સાંચીદાસ નામનો યુવક પણ અવરજવર કરતો હતો. જેની જાણ આરોપીને થતા તેણે તેને મહિલાના ઘરે ન જવા સમજાવ્યો હતો. જોકે તેમ છતાં વિજય ન માનતા રાકેશે તેના બે મિત્રો સાથે મળી વિજયનું અપહરણ કરીને ગળે ટૂંપો આપી લાશને ખાડીમાં ફેંકી દીધી હતી.
ADVERTISEMENT