Surat Crime News: સુરત-ઉધના વિસ્તારમાં વ્યાજખોરી દ્વારા આતંક મચાવનાર ધર્મેન્દ્ર ઉર્ફે લાલીની પોલીસે શાન ઠેકાણે લાવી દીધી છે. ઉધના વિસ્તારમાં જ પોલીસ લાલીને લઈને પહોંચી હતી અને જાહેરમાં તેનું સરઘસ કાઢીને સ્થાનિકોમાં તેનો ખૌફ ઓછો કરવાનો પ્રયાસ કર્યો હતો. વ્યાજખોર લાલીને તેની ઓફિસમાં લઈ જઈને તપાસ કરી હતી, જેમાં અનેક મોટા ખુલાસાઓ થયા હતા. હવે વ્યાજખોરની સંપત્તિ અંગે પોલીસ દ્વારા EDને જાણ કરવામાં આવશે.
ADVERTISEMENT
2 લાખની સામે 6.83 લાખ વસૂલ્યા
વિગતો મુજબ, સુરતના ઉધનામાં ઓફિસ ધરાવતા અને માથાભારે વ્યાજખોર ધર્મેન્દ્ર ઉર્ફે લાલી સામે વધુ એક ગુનો નોંધાયો છે. લાલીએ અલથાણના જમીન-દલાલને વ્યાજે આપેલા 2 લાખની સામે 6.83 લાખ પડાવી લીધા હતા. આ બાદ વધુ ત્રણ લાખની માગણી કરી હતી. એટલું જ નહીં, 15 લાખની રકમનો ચેક લખાવી લીધો હતો અને કોર્ટમાં ખોટા કેસ કરવાની તથા રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
દોઢ ટકાની સામે 12થી 15 ટકા વ્યાજ લેતો
આ અંગે સુરત શહેરના ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે, ધર્મેન્દ્ર પાસે લાઈસન્સ છે, જેનો દુરુપયોગ કરીને તે વ્યાજે રૂપિયા ફેરવતો હતો. નિયમ મુજબ દોઢ ટકા વ્યાજ વસૂલી શકાય, પરંતુ ધર્મેન્દ્ર 12થી 15 ટકા લેખે વ્યાજ વસૂલતો હતો. તેની સંપત્તિની વિગતો લઈને સંબંધિત વિભાગમાં જાણ કરવામાં આવશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
ઓફિસમાં પોલીસે કરી તપાસ
વ્યાજખોર ધર્મેન્દ્ર ઉર્ફે લાલી વિરુદ્ધ ભૂતકાળમાં અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. સુરતના ઉધના વિસ્તારમાં તેની હાઈટેક ઓફિસ હતી, જેમાં લાલી સિવાય કોઈ પ્રવેશ કરી શકે એમ નહોતું. લાલીની ઓફિસમાં ફેસલોક રાખેલું હતું, અને તેના ચહેરાથી જ ઓફિસ ખુલતી હતી. આથી પોલીસે ઓફિસમાં જવા માટે પહેલા હથોડાથી શટરનું તાળું તોડ્યું અને બાદમાં લાલીને સાથે રાખી તેના ચહેરાથી ફેસલોક ખોલ્યું હતું. પોલીસને ઓફિસમાંથી અનેક ફાઈલો મળી આવી છે. લાલી તથા તેના પરિવારના સદસ્યોના નામે કેટલી મિલકતો છે, તે સહિતની વિગતો સાથે પોલીસ હવે આ કેસમાં ED અને ઈન્કમટેક્સ વિભાગને જાણ કરશે.
ADVERTISEMENT