Surat Crime News: બેંકોમાં ગ્રાહકોને મદદ કરવાના બહાને નાણા પાડાવનાર ત્રણ આરોપીઓને સુરતની ઉમરા પોલીસે ધરપકડ કરી છે. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આ ત્રણેય આરોપી આંતરરાજ્ય ઈરાની ગેંગના સાગરીત છે. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા ત્રિપુટી એ અન્ય શહેરોમાં પણ પાંચેક ગુના આચર્યા હોવાની કબૂલાત પણ કરી છે. પોલીસે આ ત્રણે આરોપી પાસેથી 1.46 લાખ રૂપિયા પણ કબજે કર્યા છે.
ADVERTISEMENT
ખેડૂત સાથે બેંકમાં થઈ હતી છેતરપિંડી
થોડા દિવસ પહેલા ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અઠવાગેટની એક બેંકમાં કામ અર્થે આવેલા ખેડૂત ચુનીલાલ રાઠોડ સાથે છેતરપિંડી થઈ હતી. જેને લઈને ખેડૂત ચુનીલાલ રાઠોડે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ખેડૂત દ્વારા નોંધાવેલી ફરિયાદના આધારે ઉમરા પોલીસે તપાસ શરૂ કરતા ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણે આરોપી બેંકના સીસીટીવીમાં પણ કેદ થયા હતા.
સીસીટીવીમાં પોલીસને 3 શખ્સો દેખાયા
સીસીટીવીમાં જોઈ શકાય છે કે, સુરતના ખેડૂત ચુનીલાલ રાઠોડ બેંકમાં પહોંચ્યા છે એની આજુબાજુ બીજા લોકો એની સાથે વાત કરી રહ્યા છે. ખેડૂત ચુનીલાલ રાઠોડની સાથે વાતચીત કરી રહ્યા બીજા લોકો એ જ ઈરાની ગેંગના સાગરીત છે જેની પોલીસ ધરપકડ કરી છે. આ લોકોએ બેંકમાં આવેલા ખેડૂત ચુનીલાલ રાઠોડને કહ્યું હતુ કે, ‘તમારા બંડલમાં અમુક નોટો ફાટેલી દેખાય છે.’ એમ કહીને ખેડૂતને વાતચીતમાં ભેરવી એની નજર ચૂકવી નોટના બંડલમાંથી 500ના દરની 31 જેટલી નોટ કાઢી લીધી હતી. જેણે લઈને ખેડૂતે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ઈરાની ગેંગના 3 સાગરીતોને પકડ્યા
બેંક દ્વારા પોલીસને આપવામાં આવેલા સીસીટીવીના આધારે ઉમરા પોલીસના તપાસ શરૂ કરી હતી. ત્યારે ખબર પડી હતી કે ખેડૂતને બેંકમાં છેતરનાર આ ઈરાની ગેંગ સાગરીતો છે. પોલીસે આ મામલે જાવેદ હુસૈન, આબુ તારબ અને આબેદ ફિરોજ ઈરાનીની ધરપકડ કરી છે. આ ત્રણે જણા આરોપી મુંબઈના રહેવાસી છે. પોલીસે જણાવ્યું હતું કે, પકડાયેલા ત્રિપુટીએ સુરતની અઠવાગેટની બેંક ઓફ બરોડા ઉપરાંત સુરતના રાંદેર, મહિધરપુરા તેમજ રાજ્યના પાલનપુર અને મહેસાણા જિલ્લામાં પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. આ ઉપરાંત દિલ્હી મહારાષ્ટ્ર અનેક રાજ્યોમાં પણ આ પ્રકારના ગુનાઓ કર્યા હોવાનું ખુલાસુ થયું છે.
(સંજયસિંહ રાઠોડ, સુરત)
ADVERTISEMENT