સુરત પોલીસે 30 વર્ષથી નાસતા ફરતા વોન્ટેડને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો, આરોપી સામે છે 31થી વધુ ગુના

Surat News: સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર ઓપરેશન ફરાર અંતર્ગત અભિયાન ચલાવી રહ્યા છે. આ ઝુંબેશ અંતર્ગત સુરત પોલીસની અલગ-અલગ ટીમો છેલ્લા ઘણા સમયથી…

gujarattak
follow google news

Surat News: સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર ઓપરેશન ફરાર અંતર્ગત અભિયાન ચલાવી રહ્યા છે. આ ઝુંબેશ અંતર્ગત સુરત પોલીસની અલગ-અલગ ટીમો છેલ્લા ઘણા સમયથી પોલીસ ડાયરીમાં ફરાર થઈ ગયેલા ગુનેગારોને પકડવા સતત કામ કરી રહી છે. આ શ્રેણીમાં સુરત ક્રાઈમ બ્રાન્ચને એક સફળતા મળી છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે છેલ્લા 30 વર્ષથી નાસતા ફરતા ગુનેગારની ધરપકડ કરી છે. આ ગુનેગારની ધરપકડ પરથી એવું કહી શકાય કે તે યુવાનીમાં ફરાર થઈ ગયો હતો અને હવે વૃદ્ધાવસ્થામાં તેને પોલીસે પકડી લીધો છે.

આર્મ્સ એક્ટમાં ફરાર હતો આરોપી

સુરત ક્રાઈમ બ્રાન્ચના કસ્ટડીમાં રહેલા વ્યક્તિનું નામ મોહનસિંહ ઉર્ફે મોહન ભૈયા નરવડસિંહ ડાવર છે. સુરત ક્રાઈમ બ્રાંચને ICGS પોર્ટલ પરથી આરોપી મોહનસિંહ ઉર્ફે મોહન ભૈયા નરવરસિંહ ડાવર વિશે માહિતી મળી હતી કે, આરોપી આર્મ્સ એક્ટ કેસમાં મહારાષ્ટ્ર શહાદા કોર્ટમાં આવવાનો છે. માહિતીના આધારે, સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાની શહાદા કોર્ટ નજીક પહોંચી હતી અને કોર્ટ તારીખે આવેલા આરોપી મોહન સિંહની ધરપકડ કરી હતી.

1993માં આરોપી સામે નોંધાયો હતો કેસ

70 વર્ષીય મોહન સિંહ ડાબર મધ્યપ્રદેશના બરવાની જિલ્લાના પાનસેમલ તાલુકાના અસવાડા ગામમાં રહેતો હતો. છેલ્લા 30 વર્ષથી તે ફરાર હતો. આરોપી મોહનસિંહ ઉર્ફે મોહન ભૈયા ડાબર સામે 1993માં વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં એક પિસ્તોલ અને ચાર જીવતા કારતુસ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જે ગત ફરાર હતો. તેમજ રાજકોટ ડીસીબી પોલીસ સ્ટેશનમાં 2018 માં અન્ય આરોપીઓને ચાર પિસ્તોલ અને 50 જીવતા કારતુસ સપ્લાય કરવા બદલ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે તે સમયે અનેક આરોપીઓની ધરપકડ કરી હતી. આ બંને કેસમાં મોહનસિંહ ઉર્ફે મોહનસિંહ ભૈયા ડાબર પોલીસની ધરપકડથી બચવા માટે વર્ષોથી ફરાર હતો.

31 જેટલા ગુના નોંધાયા

છેલ્લા 31 વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી મોહનસિંહ વિરુદ્ધ મહારાષ્ટ્રના શહાદામાં ત્રણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, એક પેથાણ પોલીસ સ્ટેશનમાં અને કુલ મળીને 31 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યા છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચની વધુ તપાસમાં ખુલાસો થયો કે, આરોપી મોહનસિંહ છેલ્લા 40 વર્ષથી ગેરકાયદેસર હથિયાર બનાવતો હતો. તે પોતાના વતનમાં હથિયાર બનાવતો હતો અને આ હથિયારો પોતાના અને ગામના વિવિધ વ્યક્તિઓ દ્વારા અન્ય રાજ્યોમાં વેચતો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચની ફરાર ટીમના પ્રવીણસિંહ પઢિયાર અને તેમની ટીમે વર્ષ 2023માં વિવિધ ગંભીર ગુનાઓમાં કુલ 101 ફરાર આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં પાંચ ઈનામી આરોપીઓનો સમાવેશ થાય છે.

મધ્ય પ્રદેશમાં રહેતો આરોપી

સુરત ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર કિરણ મોદીએ જણાવ્યું હતું કે, ફરાર આરોપીને પકડવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત અમારી ક્રાઈમ બ્રાન્ચની ટીમના સબ ઈન્સ્પેક્ટર પ્રવીણસિંહ પડિયારને બાતમી મળી હતી કે 30 વર્ષ પહેલા ફરાર આરોપી મોહનસિંહ મોહન ભૈયા ડાબર કે જે મધ્યપ્રદેશનો રહેવાસી છે અને મહારાષ્ટ્રમાં કોર્ટની તારીખ ભરવા આવી રહ્યો છે. આ આરોપીને લગતી માહિતી મળતાં જ PSIની ટીમ ત્યાં પહોંચી અને આરોપીની ધરપકડ કરી. આ આરોપી સામે ધરપકડ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું.

    follow whatsapp