સુરત: સુરત પોલીસે ફરી એકવાર ડ્રગ્સના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે. શહેરના ખટોદરા પોલીસ અને LCB ઝોન-4ની ટીમ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મુંબઈથી એમ.ડી ડ્રગ્સનો જથ્થો લઈને આવેલા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી કાર, મોબાઈલ અને ડ્રગ્સના જથ્થા સહીત 7 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ત્યારે આરોપીઓની પૂછપરછમાં મોટા ડ્રગ્સ પેડલરોના પણ નામ સામે આવી શકે છે.
ADVERTISEMENT
મુંબઈથી સુરત ડ્રગ્સની ડિલિવરી માટે આવ્યા હતા
સુરતમાં ખટોદરા પોલીસ અને LCB ઝોન-4ની ટીમ સંયુક્ત ઓપરેશનમાં રિંગ ખાતે આવેલી જૂની સબજેલ નજીકથી કાર લઈને જતા 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. કારની તપાસમાં 6 ગ્રામ એમ.ડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. તપાસમાં આરોપીઓ મુંબઈથી આ ડ્રગ્સ લઈને આવી રહ્યા હતા અને સુરતમાં આ ડ્રગ્સ સપ્લાય કરવાનું હતું.
આરોપીઓ પાસેથી 67 હજારનું ડ્રગ્સ મળ્યું
પોલીસને આરોપીઓ પાસેથી 67 હજારની કિંમતનું ડ્રગ્સ, મોબાઈલ તથા કાર સહિત 7 લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે. આરોપીઓની વધુ તપાસમાં જાણવા મળ્યું કે, એક આરોપી સમોસાની લારી ચલાવે છે, અન્ય કાપડના ધંધા સાથે સંકળાયેલો છે, તો અન્ય ઓલા કંપનીમાં ડ્રાઈવિંગનો ધંધો કરે છે. આમ ટૂંકા સમયમાં વધુ રૂપિયા કમાવવા ત્રણેય ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાનું જાણવા મળ્યું હતું.
ADVERTISEMENT