સુરત: સુરતમાં રવિવારે મોડી રાત્રે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર જેવો ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં BRTS રૂટમાં પૂરપાટ ઝડપે કાર હંકારી રહેલા યુવકે એક બાદ એક 6 જેટલા લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જનાર ચાલક દારૂના નશામાં હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે રાજ્યમાં આ રીતે બની રહેલા ગંભીર અકસ્માતની ઘટનાઓ પર વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ ટ્રાફિકની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે.
ADVERTISEMENT
કુમાર કાનાણીએ કહ્યું કે, અમદાવાદમાં અકસ્માતની ઘટના બાદ આખા ગુજરાતમાં પોલીસની કાર્યવાહી ચાલી રહી છે. પરંતુ હું ચોક્કસ માનું છે કે પોલીસ મોટાભાગની કાર્યવાહી દિવસના કરે છે, દિવસના ડ્રાઈવ ચાલી રહી છે. 20-25 પોલીસ જવાનો રોડ પર ઊભા રહીને ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા લોકોને દંડે છે, તો આ જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ મોડી રાત્રે બને છે. દિવસના આવી ઘટનાઓ બનવાની કોઈ શક્યતા નથી. કારણ કે દિવસે તો ટ્રાફિક હોય છે, દિવસે નશા કરીને ડ્રાઈવ કરનારા નીકળતા પણ નથી. આવી કાર્યવાહીથી તો સામાન્ય અને ગરીબ લોકો ભોગ બને છે.
તેમણે આગળ કહ્યું કે, લાઈસન્સ કે હેલ્મેટ કે નંબર પ્લેટ. આવી બધી વાતો કરીને લોકોને દંડવામાં આવે છે. તો આવી બધી ઘટનાઓ તો રાત્રે બને છે. મોડી રાત્રે આ નશો કરનારા યુવાનોના કાર્યક્રમ ચાલે છે. તો હું ચોક્કસ માનું છું કે પોલીસની કાર્યવાહી મોડી રાત્રે થવી જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે, ફક્ત વહીવટી તંત્ર પર આધાર રાખવાને બદલે હવે મા-બાપે પણ જાગૃત થવું પડશે.
નોંધનીય છે કે, કાપોદ્રા વિસ્તારમાં એક સ્વિફ્ટ ચાલકે મોડી રાત્રે BRTS ટ્રેકમાં 3 બાઈક અને બે રાહદારીઓ સહિત 6 જેટલા લોકોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં કારની ટક્કરમાં બાઈક ફંગોળાઈ ગયા હતા, તો અકસ્માત બાદ કાર 25 ફૂટ દૂર જઈને ઊભી રહી હતી. અકસ્માતની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ચાલકને બહાર કાઢીને માર માર્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. બીજી તરફ ઈજાગ્રસ્ત લોકોને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો કાર ચાલકને પણ ઈજા પહોંચતા સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને હાથ અને પગના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે.
(વિથ ઈનપુટ: સંજયસિંહ રાઠોડ)
ADVERTISEMENT