Surat News: સુરતમાં સારોલી-કડોદરા રોડ પર મેટ્રોની કામગીરી ચાલી રહી છે. જોકે મેટ્રો બ્રિજ બનીને તૈયાર થાય તે પહેલા જ એક એવી ઘટના બની છે જેનાથી હવે બ્રિજની મજબૂતી સામે સવાલો ઉઠી રહ્યા છે. મેટ્રો બ્રિજનો સ્પાન લગાવતા વખતે તે હવામાં જ વચ્ચેથી બટકી ગયો હતો. ઘટનાને લઈને આખું તંત્ર દોડતું થઈ ગયું હતું. સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. હવે આ સ્પાનને ઉતારી લેવામાં આવશે.
ADVERTISEMENT
મેટ્રોના કામ દરમિયાન તૂટ્યો બ્રિજનો ભાગ
સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. સુરતના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા આ મેટ્રો રેલ પ્રોજેક્ટને લઈને વિવાદો પણ સામે આવી રહ્યા છે. સુરતના મેટ્રો રેલ પ્રોજેક્ટને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. સુરત બારડોલી રોડ પર સારોલી વિસ્તારમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના થાંભલા નંબર 748 પાસેનો સ્પાન વચ્ચેથી તૂટી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી.
702 કરોડમાં દિલીપ બિલ્ડકોનને મળ્યો છે કોન્ટ્રાક્ટ
સુરતના સારોલી વિસ્તારમાં દિલીપ બિલ્ડકોન લિમિટેડ દ્વારા મેટ્રો રેલ પ્રોજેક્ટનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે, જેના બાંધકામમાં ખામીઓ જોવા મળી છે. વર્ષ 2022માં સુરત મેટ્રો લાઈન-2 કોરિડોરનું નિર્માણ કરવા મજૂરાથી સરોલી વચ્ચે 8.02 કિલોમીટરમાં બની રહેલા એલિવેટેડ માર્ગ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે દિલીપ બિલ્ડકોનને 702 કરોડ રૂપિયામાં વર્ક ઓર્ડર જારી કર્યો હતો. હવે બ્રિજ બનતા પહેલા જ સ્પાન તૂટી જતા આમ આદમી પાર્ટી એ ભાજપ ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે.
ADVERTISEMENT