સુરત: સુરત મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.16 પુણા વિસ્તારનો 2006માં કોર્પોરેશનમાં સમાવેશ કરાયો છે. જોકે હજુ સુધી ઘણી સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓ પહોંચી નથી. જેના પગલે કોર્પોરેશનની બહાર મોટી સંખ્યામાં સ્થાનિકો ધરણા આપવા માટે પહોંચી ગયા હતા. આખરે મેયર હેમાલી બોઘાવાલા પાછલા બારણેથી જ કચેરીમાંથી નીકળી જતા સમગ્ર મામલે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
ADVERTISEMENT
વિગતો મુજબ, પુણા વિસ્તારના રહીશો આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરીયા સાથે મોરચો લઈને કોર્પોરેશનના ગેટ પર પહોંચ્યા હતા. જોકે મહિલાઓને કચેરીમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો, એવામાં તેમણે કલાકો સુધી ગેટ પર જ વિરોધ પ્રદર્શન કર્યા હતા અને મેયર પાસે જવાબ માંગ્યા હતા. વિરોધને જોતા મેયરે ગાડી છોડીને પાછલા બારણેથી ચાલતી પકડતા મહિલાઓએ તેમને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આખરે સિક્યોરિટી અને પોલીસની મદદથી મેયર કાર છોડીને PAની બાઈક પર બેસીને રવાના થઈ ગયા હતા.
ઘટનાને પગલે આમ આદમી પાર્ટી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે મેયર લોકોને સાંભળવાને બદલે પાછલા રસ્તેથી PAની બાઈક પર ભાગી ગયા. જે બાદ ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે પુણા વિસ્તારની સહયોગ સોસાયટીમાં ડ્રેનેજ સહિતની પ્રાથમિક સુવિધાઓ મુદ્દે સ્થાનિકો રજૂઆત કરવા માટે પાલિકામાં પહોંચ્યા હતા.
ADVERTISEMENT