Surat Rainfall: સુરતમાં પડી રહેલા ભારે વરસાદથી ખાડીઓના જળસ્તરોમાં વધારો થયો છે. જેના કારણે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ છે. પાણી બેક મારી રહ્યા હોવાના કારણે હવે ખાડીપૂરની સ્થિતિ ઊભી થઈ છે. મીઠી ખાડીના કારણે લિંબાયત વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, તો રસ્તાઓ પાણીમાં ડૂબી જતા વાહન ચાલકોને પણ મુશ્કેલીઓ પડી રહી છે.
ADVERTISEMENT
સ્કૂલમાં ફસાયા 40 બાળકો
તો સરથાણામાં વ્રજચોક લટુંરીયા હનુમાન મંદિર, સીમાડા વોટર વર્કની પાછળ આવેલી આદર્શ નિવાસી શાળા બોય્ઝ હોસ્ટેલની આજુબાજુમાં પાણી ભરાઈ ગયા હતા. આથી 40 જેટલા બાળકોનું ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું. કમર સુધી પાણી ભરાઈ જતા બોટ દ્વારા બાળકોને સરથાણા કોમ્યુનિટી હોલમાં સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા.
સુરતમાં ક્યાં કેટલો વરસાદ?
સુરતમાં મંગળવારે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં સરથાણા ઝોનમાં 6 ઈંચ, લિંબાયત તથા વરાછામાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં 8 ઈંચથી વધુ વરસાદ વરસતા સુરતમાં ખાડીના પાણી બેક મારતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વેસુ મહાવીર યુનિવર્સિટી વિસ્તારમાં 3થી 4 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા કારો પાણીમાં ડૂબી ગઈ હતી.
પલસાણાના બલેશ્વર ગામાં 30 લોકોનું રેસ્ક્યુ
ભારે વરસાદથી સરથાણા-જકાતનાકાના 5થી વધુ રોડ બંધ થઈ ગયા હતા. જેના કારણે 10થી વધુ સોસાયટીઓના રહીશોને અવર-જવરમાં મુશ્કેલી પડી હતી. હાલમાં ફાયરની ટીમોને રેસ્ક્યૂ માટે સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. તો પલસાણાના બલેશ્વર ગામમાં ભારે વરસાદથી આખું ગામ બેટમાં ફેરવાયું છે. બત્રીસ ગંગા ખાડી ઓવરફ્લો થતા બલેશ્વર ગામમાં પાણી ફરી વળ્યા હતા. ખાડી ફળિયામાં રહેતા 30થી વધુ લોકોનું બોટમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT