સુરત: સુરતના વરાછા યોગી ચોકમાં આવેલી સોસાયટીના ત્રીજા માળે ઊભેલી કિશોરી પગ સ્લીપ થતા નીચે પટકાઈ હતી. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ગ્રાઉન્ડ ફ્લોર પર બાંકડા-ખુરસીમાં વૃદ્ધો બેઠા છે, ત્યાં જ અચાનક બાળકી નીચે પડે છે, જે જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા. કિશોરીને નીચે પડેલી હાલતમાં જોઈને ત્યાં દોડી આવેલી માતા પણ બેભાન થઈને પડી ગઈ હતી. આ દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં જોવા મળે છે. ઘટના બાદ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
ADVERTISEMENT
ધો.10માં અભ્યાસ કરતી હતી કિશોરી
વિગતો મુજબ, તુલસી પાર્ક સોસાયટીમાં રહેતી ધો.10માં અભ્યાસ કરતી એક કિશોરી ત્રીજા માળેથી નીચે પટકાય છે અને તેનું માથું સીધું જમીન પર પટકાયું હતું. બાળકીને હાથ અને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને લોહી પણ નીકળી રહ્યું હતું. ઘટના શનિવારે સવારે 11 વાગ્યે બની હતી. દીકરી નીચે પડી જતા માતા પણ દોડતી આવે છે, પરંતુ દીકરીને લોહીલુહાણ હાલતમાં જોઈને પોતે પણ બેભાન થઈને ત્યાં જ ઢળી પડે છે આ બાદ બાળકીને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. હાલમાં બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાળવા મળી રહ્યું છે.
સ્થાનિક લોકો કિશોરીને લઈને હોસ્પિટલ પહોંચ્યા
સ્થાનિક લોકોએ ઘટના પર કહ્યું હતું કે, કિશોરી રમતા રમતા નીચે પટકાઈ હતી. ઘટના સોસાયટીના ગેટ પાસેના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. અચાનક ઊપરથી બાળકી પડતા ત્યાં બેઠેલા વૃદ્ધો પણ ચોંકી ગયા હતા અને બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા.
ADVERTISEMENT