સુરત: સુરતના ડિંડોલી વિસ્તારમાં સસરાએ જમાઈના ઘરમાં આંગ ચંપી કરી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આગના કારણે ઘરમાં રહેતું તમામ ફર્નિચર, સાઈટલ, ટુ-વ્હીલર સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. દીકરીના છૂટાછેડાની માગણી સાથે સસરાએ જમાઈ પાસે પૈસાની માગણી કરી હતી, જેથી જમાઈ 45 લાખ આપવા તૈયાર થઈ ગયો હતો, જોકે બીજા દિવસે સસરાએ 50 લાખ અને ફ્લેટની માગણી કરી, જે ન આપતા ઘરમાં આગ ચંપી કરી હતી. હાલમાં ડિંડોલી પોલીસે સસરાને ઝડપી લીધા છે. જ્યારે યુવકની પત્ની અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
ADVERTISEMENT
સમાજની યુવતી સાથે યુવકે પ્રેમલગ્ન કર્યા હતા
વિગતો મુજબ, ભાવનગરના મહુવાના એક ગામનો યુવક ગુણવંત લાડુમોર સુરતમાં પોતાના પરિવાર સાથે દેલાવડગા ગામમાં રહે છે અને બિલ્ડિંગ બ્યૂટિફિકેશનનું કામ કરે છે. 4 વર્ષ પહેલા સોશિયલ મીડિયા પર સમાજની નિધિ છોટાળા સાથે તે સંપર્કમાં આવ્યા હતો. બંને વચ્ચે પ્રેમ થતા તેમણે 2021માં વડીલોની મંજૂરીથી લગ્ન કર્યા હતા. જોકે થોડો સમય સાથે રહ્યા બાદ નિધિએ પરિવારજનો સાથે ઝઘડો કરીને ગેરવર્તન કરવાનું શરૂ કરી દીધું.
આપઘાત કરી પરિવારને ફસાવી દેવાની ધમકી આપતી પત્ની
નિધિ આપઘાત કરીને આપીને પરિવારને ફસાવી દેવાની ધમકી આપતી હતી. ગત દિવાળીએ પણ તે સુસાઈડ કરવા રેલફે ફાટક તરફ નીકળી હતી. પરંતુ પોલીસે તેને અટકાવીને પતિને જાણ કરી હતી. બાદમાં ગુણવંતે તેના સસરાને આ અંગે જાણ કરતા તેઓ દીકરીને થોડા દિવસ ઘરે લઈ ગયા. બાદમાં સાસરીમાં પાછી આવેલી નિધિ ફરી છૂટાછેડા લઈને યુકે જવું છે કહીને ખર્ચ માગતી હતી. આથી ગુણવંત તેને યુ.કે જવા રૂ.30 લાખ આપવા તૈયાર થયો હતો.
પતિ 45 લાખ આપવા તૈયાર હતો
બાદમાં નિધિએ રૂ.50 લાખની માગણી કરતા, તેના માતા-પિતા ગુણવંતના ઘરે પહોંચ્યા અને ગાળાગાળી કરીને ઝપાઝપી કરી હતી. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા નિધિને રૂ.45 લાખ આપવાનું કહેવા તમામ તૈયાર થયા હતા. જોકે બીજા દિવસે સસરા રમેશભાઈએ ગુણવંતને ફોન કરીને 50 લાખ અને 2BHK ફ્લેટની માગણી કરતા તેણે ના પાડી દીધી હતી.
પરિવારની ગેરહાજરીમાં ઘરને સળગાવી દીધું
આથી સસરાએ યુવકને ફોન કરીને ધમકી આપી કે, ‘તમારા પરિવારને બચાવી શકો તો બચાવી લો. હું આવું છું’. ઘરે કોઈ હાજર નહોતું ત્યારે સસરાએ જ્વલંતશીલ પદાર્થથી આખું ઘર ફૂંકી માર્યું હતું. ગુણવંત ઘરે પહોંચતા ઘરમાં આગ લાગેલી હતી, આથી તેણે ફાયરની ટીમ અને પોલીસને જાણ કરી. ત્યારે પોલીસે સ્થળ પર હાજર રમેશભાઈને ઝડપી લીધા હતા, જ્યારે નિધિ પોલીસને જોઈને ત્યાંથી ફરાર થઈ ગઈ હતી.
ફર્નિચર-વાહનો બળીને ખાખ
આગના આ બનાવમાં બે સાઈકલ, બુલેટ, એક્ટિવા, ઈન્વર્ટર અને એસીના કોમ્પ્રેસર તથા ઘરમાં રહેલું ફર્નિચર બળીને ખાખ થઈ ગયા હતા. ગુણવંતની ફરિયાદના આધારે પોલીસે તેના સસરા રમેશભાઈ, સાસુ હંસાબેન તથા પત્ની નિધિ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT