Surat News: 22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ અને અયોધ્યા સહિત સમગ્ર દેશ માટે ઐતિહાસિક દિવસ હતો, 5 સદીઓ પછી ભગવાન શ્રી રામ તેમના ભવ્ય અને દિવ્ય રામ મંદિરમાં બિરાજમાન થયા હતા. અયોધ્યામાં રામજન્મભૂમિ પર બનેલા ભગવાન શ્રી રામના મંદિર માટે સુરતના એક હીરા ઉદ્યોગપતિએ 11 કરોડ રૂપિયાનો મુગટ દાનમાં આપ્યો છે. હીરા ઉદ્યોગપતિ પોતે પરિવાર સાથે અયોધ્યા ધામ રામ મંદિરે મુગટ દાન કરવા પહોંચ્યા હતા.
ADVERTISEMENT
11 કરોડનો મુગટ ભેેટ આપ્યો
સુરતના હીરા ઉદ્યોગપતિ મુકેશ પટેલે તેમની ગ્રીન લેબ ડાયમંડ કંપનીમાં રામલલ્લા માટે સોના, હીરા અને નીલમથી 6 કિલો વજનનો મુગટ તૈયાર કર્યો હતો. હીરા ઉદ્યોગપતિ મુકેશ પટેલ રામલલ્લા મંદિરના અભિષેક સમારોહના એક દિવસ પહેલા તેમના પરિવાર સાથે 11 કરોડ રૂપિયાનો મુગટ ભેટમાં આપવા માટે અયોધ્યા પહોંચ્યા હતા.
તેમણે મંદિરના ગર્ભગૃહમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટને રામલલ્લા માટે તૈયાર કરેલો સુવર્ણ અને અન્ય ઝવેરાત જડિત મુગટ મંદિરના મુખ્ય પૂજારીને અર્પણ કર્યો હતો.
કંપની-પરિવાર સાથે ચર્ચા કરી મુગટ આપવાનો નિર્ણય કર્યો
વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ ભાઈ નાવડિયાએ જણાવ્યું કે, ગ્રીન લેબ ડાયમંડ કંપનીના માલિક મુકેશભાઈ પટેલે અયોધ્યાના વિશ્વ પ્રસિદ્ધ નવનિર્મિત મંદિરમાં ભગવાન શ્રી રામને કેટલાક ઘરેણાં અર્પણ કરવાનું વિચાર્યું હતું. ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે તેમના પરિવાર અને કંપની સાથે ચર્ચા કર્યા બાદ નક્કી કર્યું કે ભગવાન શ્રી રામને સોના અને અન્ય રત્નોથી જડેલા મુગટ અર્પણ કરવામાં આવશે.
મુગટમાં 4 કિલો સોનું વપરાયું છે
રામલલ્લાની મૂર્તિનો મુગટ બનાવવા માટે કંપનીના બે કર્મચારીઓને અયોધ્યા મોકલવામાં આવ્યા હતા. કંપનીના કર્મચારીઓ મૂર્તિની માપણી કરીને સુરત આવ્યા હતા અને ત્યારબાદ મુગટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
કુલ 6 કિલો વજનના આ મુગટમાં 4 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મુગટમાં નાના અને મોટા કદના હીરા, માણેક, મોતી અને નીલમ જેવા રત્નો જડેલા છે. તમામ સામગ્રીનો ઉપયોગ કર્યા બાદ બનાવવામાં આવેલ મુગટને અયોધ્યામાં પ્રભુ રામના મસ્તક પર મૂકવામાં આવ્યો છે.
(સંજયસિંહ રાઠોડ, સુરત)
ADVERTISEMENT