સંજયસિંહ રાઠોડ/Surat Accident: સુરતમાં ચીખલીથી રાંદેર જતા પરિવારને રસ્તામાં ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. સુરતમાં ખજોડ ડાયમંડ બુર્સ નજીક એક ડમ્પર પાછળ કાર ઘુસી જતા કારમાં સવાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. જેમાં એક પુરુષ અને એક મહિલાનું મોત નિપજ્યું છે. જ્યારે એક બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે, તો ડ્રાઈવર પણ ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. આ મામલે કાર ચાલક હવે સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ચીખલીથી રાંદેર જઈ રહ્યો હતો પરિવાર
વિગતો મુજબ, ચીખલીથી અમિત સાવલાણી પોતાના પરિવાર અને મિત્ર સાથે બુધવારે મોડી રાત્રે ચીખલીથી રાંદેર જઈ રહ્યા હતા. કારમાં તેમની 8 માસની દીકરી અને પત્ની તથા મિત્ર ઈન્દ્રજીત ટેલર સવાર હતા. જોકે ડાયમંડ બુર્સ પાસે પહોંચતા જ સ્વિફ્ટ કાર ડમ્પર પાછળ ઘુસી ગઈ હતી. દરમિયાન ત્યાંથી પોલીસકર્મી હિતેન્દ્રસિંહ ચાવડા પોતાની નોકરીએથી પરત ફરી રહ્યા હતા. અકસ્માત બાદ તેઓ ત્યાં દોડી ગયા હતા તમામ લોકોને બહાર કાઢીન 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા.
કાર ચાલક સામે મૃતકના પુત્રની ફરિયાદ
દરમિયાન અમિત સાવલાણીના પત્નીનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. તો મિત્ર ઈન્દ્રજીત ટેલરનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે 8 માસની બાળકીની હાલત ગંભીર હોવાનું જણાઈ રહ્યું છે અને ચાલક અમિત સાવલાણી પણ હોસ્પિટલમાં છે. અમિતના લગ્નને 2 વર્ષ જ થયા હતા અને તે ઓલા કંપનીમાં કાર ડ્રાઈવર છે. ઘટના બાદ ઈન્દ્રજીત ટેલરના પુત્રએ ચાલક અમિત સાવલાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કાર ડ્રાઈવરે બેદરકારી ભરી રીતે પૂરપાટ ઝડપે કાર હંકારતા અકસ્માત સર્જાયો છે. હાલમાં સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT