- સુરતમાં ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીનો લેટર બોમ્બ.
- ટ્રાફિક પોલીસની તોડબાજીના આરોપ સાથે ટ્રાફિક પોલીસ કમિશનરને પત્ર લખ્યો.
- ટોઈંગવાળા તોડબાજીથી રત્નકલાકારો અને નાના માણસોને હાલાકી થતી હોવાની ફરિયાદ.
Surat News: સુરતમાં ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી એકવાર લેટર બોમ્બ ફોડ્યો છે. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી ઘણીવાર તંત્ર સામે સવાલ ઉઠાવતા હોય છે. ત્યારે હવે તેમણે ટ્રાફિક પોલીસ પર તોડબાજીના આરોપ સાથે સુરત શહેર ટ્રાફિક પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે અને કાર્યવાહી કરવા માટે માંગ કરી છે.
ADVERTISEMENT
કુમાર કાનાણીનો ટ્રાફિક પોલીસ પર આરોપ
ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરતના ટ્રાફિક પોલીસ કમિશનરને પત્ર લખીને ફરિયાદ કરી છે કે, સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સર્કલ પ્રમાણે ક્રેનો રોડ પર નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનો ટોઈંગ કરવા માટેના કોન્ટ્રાક્ટ આપવામાં આવેલા છે. જેમાં સર્કલ-1નો વિસ્તાર નાના વરાછા ઢાળથી સરથાણા અને કામરેજ બાજુનો વિસ્તાર આવે છે. આ વિસ્તારમાં ટોઈંગ કરેલા વાહનો સરથાણા ગોડાઉન ખાતે લઈ જવાના હોય છે.પરંતુ ક્રેન નં.1 નાના વરાછાથી લઈને હીરાબાગ વિસ્તારમાં મોટી સંખ્યામાં વાહનો ટોઈંગ કરીને બોમ્બે માર્કેટ લાવીને મોટી તોડબાજી કરે છે.
તોડબાજો સામે પગલા ભરવા ટ્રાફિક પોલીસ કમિશરને રજૂઆત
ધારાસભ્યએ પત્રમાં આગળ લખ્યું છે કે, વરાછા અને સરથાણાની બંને ક્રેન એક જ વિસ્તારમાં ચલાવવામાં આવે છે. સરથાણા બાજુ વાહન ટોઈંગ કરી શકતા નથી એટલે ક્રેન નં.1 પણ વરાછા વિસ્તારમાંથી વાહનો ટોઈંગ કરીને તોડબાજી કરે છે. જેના કારણે રત્નકલાકારો અને નાના માણસો લૂંટાય છે. આ બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવા ઘટતું કરશો.
(ઈનપુટ: સંજયસિંહ રાઠોડ, સુરત)
ADVERTISEMENT