વલસાડ: વલસાડ જિલ્લાના વાપીમાં નાની તંબાડી ચાર રસ્તા પાસે પોલીસની ટીમે સેલવાસ તરફથ સુરત જતી કારને અટકાવીને ચેકિંગ કરતા દારૂની 624 બોટલ મળી આવી હતી. કારમાં સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા પોલીસ જવાન અને અન્ય એક વ્યક્તિ પણ હાજર હતા. પોલીસની ટીમે દારૂના જથ્થા, કાર તેમજ મોબાઈલ સહિત 6.26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
વાપી પોલીસે વોચ ગોઠવી કારની તપાસ કરી
વિગતો મુજબ, વાપી તાલુકાના ડુંગરા પોલીસની ટીમે સેલવાસથી એક કારમાં વિદેશી દારૂનો જથ્થો સુરત લઈ જવાતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે ડુંગરા પોલીસની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાન એક કાર આવતા તેને અટકાવીને તપાસ કરતા 15 પેટીમાંથી 624 દારૂની બોટલ મળી આવી હતી. દારૂના જથ્થા સાથે સુરત પાંડેસરા પોલીસ સ્ટેશનના ASI રોનક હિરાણી અને દિગેન્દ્રસિંહ ઝાલાની અટકાયત કરવામાં આવી હતી.
રાજકોટમાં પણ પોલીસકર્મીએ દારૂ પીને અકસ્માત કર્યો હતો
નોંધનીય છે કે, એકબાજુ ગુજરાતમાં કડક દારૂબંધીની વાતો સુરતમાં ગઈકાલે દારૂ પીને એક કાર ચાલકે 3 બાઈકને અડફેટે લીધા હતા. તો રાજકોટમાં પણ એક પોલીસ કર્મી દારૂ પીને કાર હંકારીને અકસ્માત સર્જ્યો હતો. ત્યારે હવે ખુદ પોલીસકર્મી આ રીતે મોટી સંખ્યામાં દારૂની હેરાફેરી કરતા પકડાતા પોલીસબેડામા પણ ખળભળાટ મચી ગયો હતો.
ADVERTISEMENT