Surat: સગીર વિદ્યાર્થીને બ્રેઈનવોશ કરીને સાધુ બનાવી દીધો! સ્વામિનારાયણ સાધુઓ પર લાગ્યા ગંભીર આરોપ

Surat News: સુરતમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય પર એક વાલી દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. વિગતો મુજબ, એક સગીર બાળકને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ બળજબરીપૂર્વક સાધુ બનાવ્યાનો આરોપ લાગ્યો છે.

Surat News

Surat News

follow google news

Surat News: સુરતમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય પર એક વાલી દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. વિગતો મુજબ, એક સગીર બાળકને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ બળજબરીપૂર્વક સાધુ બનાવ્યાનો આરોપ લાગ્યો છે. આ આરોપ અન્ય કોઈ નહીં પરંતુ સગીરના પિતા અને કાકા દ્વારા સિલ્વર ચોક ખાતે આવેલા વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુઓ પર લગાવવામાં આવ્યો છે. પરિવાર હવે સાધુઓ પાસેથી પોતાના સંતાનને પાછો માગી રહ્યા છે.

સગીરને બ્રેઈનવોશથી સાધુ બનાવી દીધો!

મીડિયા રિપોર્ટ્સ મુજબ, સુરતના વરાછામાં આવેલી તપોવન શાળામાં અભ્યાસ કરતા બાળકને બ્રેઈનવોશ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ તેને સાધુ બનાવી દીધાનો આરોપ લાગ્યો છે. આ અંગે પરિજનોએ 14 એપ્રિલ 2024ના રોજ સરથાણા પોલીસ સ્ટેશનમાં બાળકના ગુમ થવાની ફરિયાદ પણ નોંધાવી છે. પરિજનોનો આરોપ છે કે, 17 વર્ષ અને 10 મહિનાના સગીરનું બ્રેઈનવોશ કરીને અભ્યાસના બદલે સાધુ બનાવી દેવામાં આવ્યો. તેને સાધુઓ દ્વારા પહેલા ગઢડા અને બાદમાં ખોપાળા અને બાબરા લઈ જવામાં આવ્યો અને હાલમાં તેને સુરત લવાયો છે. 

1 વર્ષ પહેલા પરિવાર સાધુના સંપર્કમાં આવ્યો હતો

સગીરનો પરિવાર એક વર્ષ પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના સંપર્કમાં આવ્યો હતો. દરમિયાન સગીરને તિલક હાર કરીને સાધુ બનાવી દેવાયો. હવે પિતાએ પોતાના સગીર પુત્રને પાછો આપવાની માંગ કરી છે. આ અંગે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે મંદિર પહોંચીને તપાસ શરૂ કરી હતી. ત્યારે સાધુ પર આ રીતે સગીરના બ્રેઈનવોશ કરવાનો આરોપ લાગતા ખળભળાટ મચી ગયો છે.

ગીરગઢડામાં પણ ગુરુકુળમાં સાધુ પર આરોપ

નોંધનીય છે કે, આ પહેલા ગીરગઢડાના સમઢીયાળાની ગુરુકુળમાં પણ આ પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પિતાએ ગુરુકુળના સ્વામી પર બાળકનું બ્રેઈનવોશ કરવાનો આરોપ લગાવ્યો હતો. વેકેશનમાં બાળકે ઘરના બદલે ગુરુકુળ જવાની જીદ પકડી હતી. આથી પિતાએ નોટબુક ચેક કરતા બાળકને સાધુ બનવાની પ્રેરણા અપાતી હોવાનું જાણવા મળ્યું હતું. નોટબુકમાં માતા-પિતા અને કુટુંબ વિરુદ્ધ અને ખરાબ લખાણ મળ્યા હોવાનો દાવો કરાયો હતો. જોકે ગુરુકુળના સ્વામીએ સમગ્ર ઘટનાને નકારી કાઢી હતી અને પરિજનો સાથે સમાધાન થઈ ગયું હોવાનો દાવો કર્યો હતો.

    follow whatsapp