સુરતમાં 25 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત, તબીબોએ 30 મિનિટ CPR આપવા છતાં જીવ ન બચ્યો

Surat News: રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકના વધતા બનાવોના કારણે લોકો ચિંતિત બન્યા છે. એક બાદ એક યુવાઓ નાની ઉંમરે હાર્ટ એટેકનો શિકાર થઈ રહ્યા છે…

gujarattak
follow google news

Surat News: રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકના વધતા બનાવોના કારણે લોકો ચિંતિત બન્યા છે. એક બાદ એક યુવાઓ નાની ઉંમરે હાર્ટ એટેકનો શિકાર થઈ રહ્યા છે અને હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું મોત થઈ જાય છે. સુરતમાં હવે 25 વર્ષના યુવકનું મોત થઈ ગયું છે. ખાસ વાત છે કે યુવકના પરિજનો તેને સમયસર હોસ્પિટલ લઈને પહોંચ્યા છતાં તેનો જીવ બચી શક્યો નહીં.

છાતીમાં દુઃખાવો થતા હોસ્પિટલ લઈને પહોંચ્યો પરિવાર

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી પ્રભુનગર સોસાયટીમાં 25 વર્ષનો સંજય ચૌહાણ પરિવાર સાથે રહે છે. સંજયના પિતા ચાની લારી ચલાવે છે અને તે ગેરેજમાં કામ કરીને પરિવારને મદદરૂપ થતો હતો. ગુરુવારે સાંજે સંજયને છાતીમાં દુઃખાવો થતો હોવાની જાણ કરી. બાદમાં તેને નજીકની હોસ્પિટલ લઈ જવાયો હતો અને અહીંથી તેને સિવિલ ખસેડવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં CPR આપવા છતાં જીવ ન બચ્યો

સિવિલમાં ગંભીર હાલતમાં સંજય પહોંચતા હોસ્પિટલ સ્ટાફ દ્વારા તેને 30 મિનિટ સુધી CPR આપવામાં આવ્યા બાદ તેની હાર્ટ બીટમાં વધઘટ થતા તબીબોને તેના બચવાની શક્યતા લાગી. આથી તેને વેન્ટિલેટર પર રખાયા બાદ હાર્ટ બીટ ફરી ઘટવા લાગ્યા. સંજયનો જીવ બચાવવા માટે શોક પણ અપાયો પરંતુ આખરે તેણે દમ તોડી દીધો. તબીબોએ 1 કલાક સુધી ભારે જહેમત કરી તેમ છતાં જીવ બચી શક્યો નહીં.

સિવિલ હોસ્પિટલમાં 1 કલાકની સારવાર દરમિયાન તબીબોએ સંજય ચૌહાણને 300થી વધુ વખત CPR આપીને તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારને પણ દીકરો બચી જવાની આશા જાગી હતી, પરંતુ અનેક પ્રયાસો છતાં સંજયનો જીવ બચી ન શક્યો.

    follow whatsapp