Surat News: સોમવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રીલંકાના કોલંબોમાં વન-ડે મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે 228 રનના મોટા અંતરે ઐતિહાસિક જીત મેળવી. જીત બાદ મોડી રાત્રે સુરતના સૈયદપુરા માર્કેટ વિસ્તારમાં ફટાકડા ફોડવાને લઈને બે જૂથો વચ્ચે અથડામણની ઘટના બની હતી. જેમાં એક-બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી રહી છે. ઘટનાને લઈને પોલીસ સ્થળ પર પહોંચી હતી, જે બાદ બંને પક્ષોએ સામ સામે પોતાની ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
બંને પક્ષોએ સામ સામે નોંધાવી ફરિયાદ
આ અંગે ગુજરાત Tak સાથે ફોન પર વાત કરતા લાલગેટ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર નિલેશ બ્રહ્મભટ્ટે કહ્યું કે, આ મામલે બંને પક્ષોએ સામ સામે ફરિયાદ નોંધાવી છે. એક પક્ષનો આરોપ છે કે તે ફટાકડા ફોડી રહ્યા હતા, ત્યારે બીજા પક્ષે ઝઘડો કર્યો હતો.
ક્રિકેટ રમતા છોકરાઓ પર બોમ્બ ન ફેંકવાનું કહેતા ઝઘડો
ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા શાહરુખ મીર્ઝાએ લાલગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, સોમવારે રાત્રે 11 વાગ્યે તે સૈયદપુરા મટન માર્કેટ ખાતે પોતાના મહોલ્લામાં ઊભો હતો. દરમિયાન કેટલાક છોકરા ત્યાં ક્રિકેટ રમી રહ્યા હતા. આ સમયે સુમીત વાઢેર, વિજય અને પપ્પુએ સુતળી બોમ્બ સળગાવીને છોકરાઓ પર ફેંકતા તેને અટકાવ્યા હતા. જેથી સુમીતે ગાળો આપી ઝઘડો કર્યો અને છરી બતાવીને ત્રણેય મિત્રો શાહરુખને માર મારવા લાગ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી. જોકે લોકો એકઠા થઈ જતા તમામ ભાગી ગયા, બાદમાં શાહરુખને પેટમાં દુખાવો અને ઉલટી થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
(ઈનપુટ: સંજયસિંહ રાઠોડ, સુરત)
ADVERTISEMENT